તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 6th August 2026
અમદાવાદ : લેખિકા કાજલ ઓઝા વૈદ્ય બન્યાં સ્નેચિંગનો ભોગઃ ઘડિયાળ-મોબાઇલ સહિત લાખોનો મુદ્દામાલ લૂંટાયો
પોલીસે આસપાસના સીસીટીવી કેમેરાના ફૂટેજ એકત્ર કરવાની કાર્યવાહી શરૂ કરી

અમદાવાદ તા.૬: જાણીતાં લેખિકા કાજલ ઓઝા વૈદ્ય અમદાવાદમાં વહેલી સવારે પર્સ સ્નેચિગનો ભોગ બન્યાં. બાઈક સવાર બે શખ્સો લાખથી વધુનો મુદ્દામાલ ભરેલું પર્સ ઝૂંટવી ફરાર થઈ ગયા.આ બનાવ અંગે તેમણે કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે આરોપીઓને શોધવા તપાસ શરુ કરી છે.
ફરિયાદ મુજબ કાજલ ઓઝા વૈદ્ય મુંબઈના દાદર રેલવે સ્ટેશનેથી ગુજરાત મેલ ટ્રેનમાં અમદાવાદ આવ્યાં હતાં. વહેલી સવારે તેઓ મણિનગર રેલવે સ્ટેશન પર ઊતર્યા બાદ રિક્ષામાં પોતાના ઘરે જવા માટે નીકળ્યાં હતાં. સવારે અંદાજે સવા પાંચ વાગ્યાના સમયે રિક્ષા કાંકરિયા ફૂટબોલ ગ્રાઉન્ડ પાસેથી ભુલાભાઈ ચાર રસ્તા તરફ જઈ રહી હતી તે દરમિયાન રસ્તા પર આવેલા બમ્પરના કારણે રિક્ષાની ગતિ ધીમી પડી હતી. આ તકનો લાભ લઈ બાઈક પર આવેલા બે અજાણ્યા શખ્સ રિક્ષાની બાજુમાં આવી પહોંચ્યા હતા અને પળવારમાં કાજલ ઓઝા વૈદ્યનું લૂઈ વિત્તો કંપનીનું પર્સ ઝૂંટવી ફરાર થઈ ગયા હતા.
બનાવ એટલો ઝડપથી બન્યો હતો કે તેઓ કે રિક્ષાચાલક કોઈ પ્રતિક્રિયા આપે તે પહેલાં જ બંને શખ્સો આંખ સામે ઓઝલ થઇ ગયા હતા. ચોરી થયેલા પર્સમાં રેમન્ડ વેલ કંપનીની કિમતી ઘડિયાળ, બે મોબાઈલ ફોન, રોકડ રકમ તેમજ ડેબિટ અને ક્રેડિટ કાર્ડ સહિતનો આશરે ૧ લાખથી વધુનો મુદ્દામાલ હતો. પોલીસે આસપાસના સીસીટીવી કેમેરાના ફૂટેજ એકત્ર કરવાની કાર્યવાહી શરૂ કરી છે.
(11:43 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
