<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th November 2026

અમદાવાદથી દોડતી 6 ટ્રેનોના ભાડા ઘટશે :જાન્યુઆરીથી સુપરફાસ્ટનો દરજ્જો હટશે: મુસાફરોને ₹75 સુધીની રાહત

રેલવેનો મહત્વપૂર્ણ નિર્ણય: અમદાવાદ સહિત ગુજરાતમાંથી પસાર થતી 6 સુપરફાસ્ટ ટ્રેનો હવે એક્સપ્રેસ તરીકે દોડશે

અમદાવાદ સહિત ગુજરાતના રેલવે મુસાફરો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. પશ્ચિમ રેલવે દ્વારા 6 સુપરફાસ્ટ ટ્રેનોને સામાન્ય એક્સપ્રેસ શ્રેણીમાં પરિવર્તિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જાન્યુઆરી 2027થી અમલમાં આવનારા આ ફેરફારને કારણે મુસાફરોએ હવે સુપરફાસ્ટ સરચાર્જ ચૂકવવો નહીં પડે. પરિણામે જનરલ ક્લાસથી લઈને ફર્સ્ટ AC સુધીની ટિકિટના ભાડામાં પ્રતિ ટિકિટ ₹15થી ₹75 સુધીનો ઘટાડો થશે.

આ નિર્ણયનો લાભ ખાસ કરીને અમદાવાદ, સાબરમતી સહિત ગુજરાતનાં વિવિધ શહેરોમાંથી આ ટ્રેનોમાં મુસાફરી કરતા લોકોને મળશે. જોકે, ટ્રેનોના રૂટ, સમયપત્રક અને હાલનાં સ્ટોપેજમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. માત્ર ટ્રેનોની શ્રેણી અને નંબર બદલવામાં આવશે.

 

પશ્ચિમ રેલવે દ્વારા કેટલીક ટ્રેનોના નંબર અને શ્રેણીમાં ફેરફાર માટે તારીખો નક્કી કરવામાં આવી છે. જેમાં 1 જાન્યુઆરી 2027થી 4 ટ્રેનો નવા નંબર સાથે એક્સપ્રેસ તરીકે દોડશે, જ્યારે જોધપુર-હડપસર ટ્રેનમાં 3 જાન્યુઆરીથી ફેરફાર અમલી બનશે.

જૂનો ટ્રેન નંબર

ટ્રેનનું નામ

નવો ટ્રેન નંબર

અમલની તારીખ

12927

દાદર – એકતાનગર

19067

1 જાન્યુઆરી 2027

12928

એકતાનગર – દાદર

19068

1 જાન્યુઆરી 2027

20959

વલસાડ – વડનગર

19059

1 જાન્યુઆરી 2027

20960

વડનગર – વલસાડ

19060

1 જાન્યુઆરી 2027

20495

જોધપુર – હડપસર

14809

3 જાન્યુઆરી 2027

20496

હડપસર – જોધપુર

14810

3 જાન્યુઆરી 2027

 

સુપરફાસ્ટ ટ્રેનમાં મુસાફરી કરતી વખતે ટિકિટના સામાન્ય ભાડા ઉપરાંત સુપરફાસ્ટ ચાર્જ પણ ચૂકવવો પડે છે. હવે આ ટ્રેનો એક્સપ્રેસ શ્રેણીમાં પરિવર્તિત થતાં આ વધારાનો ચાર્જ લાગુ નહીં પડે. તેના કારણે મુસાફરોને નીચે મુજબની બચત થશે.

મુસાફરીનો ક્લાસ

પ્રતિ ટિકિટ અંદાજિત બચત

જનરલ / સેકન્ડ સિટિંગ (2S)

₹15

સ્લીપર ક્લાસ

₹30

AC ચેર કાર / થર્ડ AC

₹45

સેકન્ડ AC / ફર્સ્ટ AC

₹75

આ ફેરફારથી ખાસ કરીને લાંબા અંતરની મુસાફરી કરતા મુસાફરોને ફાયદો થશે. એક જ પરિવારના અનેક સભ્યો મુસાફરી કરતા હોય ત્યારે ટિકિટના કુલ ખર્ચમાં પણ નોંધપાત્ર બચત થઈ શકે છે.

અમદાવાદના સાબરમતી રેલવે સ્ટેશન થઈને મહારાષ્ટ્રના હડપસર સુધી દોડતી જોધપુર-હડપસર દૈનિક સુપરફાસ્ટ એક્સપ્રેસના મુસાફરો માટે પણ આ નિર્ણય મહત્વપૂર્ણ છે.

હાલમાં આ ટ્રેન 20495/20496 નંબરથી દોડે છે. જોકે, 3 જાન્યુઆરી 2027થી આ ટ્રેન નવા નંબર 14809/14810 સાથે સામાન્ય એક્સપ્રેસ તરીકે દોડશે.

આ ફેરફારથી અમદાવાદ સહિત આ રૂટ પરના મુસાફરોને ટિકિટના ભાડામાં રાહત મળશે. ખાસ વાત એ છે કે ટ્રેનનો હાલનો રૂટ, સ્ટોપેજ અને સંચાલન સમય યથાવત્ રાખવામાં આવશે.

રેલવેના આ નિર્ણયમાં મુસાફરોએ ખાસ ધ્યાન રાખવાની બાબત એ છે કે ટ્રેનોની શ્રેણી અને નંબર બદલાશે, પરંતુ મુસાફરીની વ્યવસ્થામાં કોઈ મોટો ફેરફાર કરવામાં આવ્યો નથી.

(1:04 AM IST)