News of Saturday, 21st November 2026
ગેસ પાઈપલાઈનની કામગીરી સામે સરગવાળામાં ખેડૂતોનો ઉગ્ર વિરોધ : પોલીસ સાથે ઘર્ષણ, ઝપાઝપી અને પથ્થરમારાથી તંગદિલી
બળજબરીથી કામગીરી અને વળતરના મુદ્દે ગ્રામજનો - મહિલાઓ મેદાનમાં : બ્રિજરાજ સોલંકીની આગેવાનીમાં ખાડા પૂર્યા અને ધરણા કર્યા : અટકાયત બાદ સ્થિતિ વણસતા પથ્થરમારો થયો : એક મહિલા ખેડૂતને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા

સરગવાળા (ધોળકા): ગેસ પાઈપલાઈન નાખવાની કામગીરી દરમિયાન આજે અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના સરગવાળા ગામની સીમમાં ભારે તંગદિલી અને ઘર્ષણના દ્રશ્યો જોવા મળ્યા હતા. ગુજરાત સ્ટેટ પેટ્રોનેટ લિમિટેડ (GSPL) દ્વારા પોલીસ પ્રોટેક્શન હેઠળ ખેતરોમાં પાઈપલાઈન નાખવાની કામગીરી હાથ ધરાતા સ્થાનિક ખેડૂતો અને મહિલાઓનો આક્રોશ ભભૂકી ઉઠ્યો હતો. યોગ્ય વળતર અને પૂર્વ મંજૂરી વિના પોલીસ બળનો સહારો લઈને બળજબરીપૂર્વક પાઈપલાઈન નાખવામાં આવી રહી હોવાના આક્ષેપ સાથે મોટી સંખ્યામાં ખેડૂતો અને મહિલાઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને વિરોધ નોંધાવ્યો હતો.
ખાડા પૂરવાની કામગીરી અને ધરણા પ્રદર્શન:
વિરોધ દરમિયાન મામલો ઉગ્ર બન્યો હતો. ખેડૂત આગેવાન બ્રિજરાજ સોલંકીની આગેવાનીમાં રોષે ભરાયેલા ખેડૂતો અને મહિલાઓએ પોતે જ હાથમાં પાવડા લઈને પાઈપલાઈન માટે ખોદવામાં આવેલા ખાડાઓ પૂરવાની શરૂઆત કરી દીધી હતી. સાથે જ મોટી સંખ્યામાં ખેડૂતો અને મહિલાઓએ ખેતરમાં જ ધરણા પર બેસીને તંત્ર અને કંપની સામે સૂત્રોચ્ચાર કર્યા હતા.
અટકાયત બાદ પથ્થરમારો અને મહિલાની તબિયત લથડી:
મામલાને કાબૂમાં લેવા પોલીસે ખેડૂત આગેવાન બ્રિજરાજ સોલંકીની અટકાયત કરતા વાતાવરણ વધુ તંગ બન્યું હતું. આ દરમિયાન ખેડૂતો, પોલીસ કાફલા અને જીએસપીએલના અધિકારીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ ઝપાઝપી થઈ હતી. ઉશ્કેરાયેલા ટોળાએ પોલીસ તેમજ સરકારી અને કંપનીના વાહનો પર પથ્થરમારો કર્યો હોવાનું પણ જાણવા મળ્યું છે. ઘર્ષણ અને નાસભાગ વચ્ચે એક ખેડૂત મહિલાની તબિયત અચાનક લથડતા તેમને તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હાલ આ વિસ્તારમાં અજંપાભરી શાંતિ છવાઈ ગઈ છે અને કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
(8:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
