તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 31st May 2026
તાપી બ્રિજ નજીક ગોઝારો અકસ્માતઃ ઊભેલા ટ્રેલર પાછળ કાર ઘૂસી જતાં ચાલક ગંભીરઃ 3નો બચાવ
નેશનલ એકસપ્રેસ વે-૪ પર સવારે બની ઘટનાઃ થોડો સમય ટ્રાફીક જામ

સુરતઃ નેશનલ એક્સપ્રેસ વે-4 (NE-4) પર સુરત જિલ્લામાંથી પસાર થતી તાપી નદીના બ્રિજ પર આજે સવારે એક અકસ્માત સર્જાયો હતો. બ્રિજ પર કોઈ અગમ્ય કારણોસર ઊભેલા એક ટ્રેલરની પાછળ આવી રહેલી કાર ધડાકાભેર ઘૂસી ગઈ હતી. આ અકસ્માતમાં કારનો આગળનો ભાગ સંપૂર્ણપણે કચડાઈ ગયો હતો, જેમાં કાર ચાલક અંદર જ ફસાઈ જતાં તેને ગંભીર ઈજાઓ પહોંચી છે. જ્યારે કારમાં સવાર અન્ય ત્રણ વ્યક્તિઓનો આબાદ બચાવ થયો હોવાનું જાણવા મળ્યું છે.
સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ, આજે સવારે આશરે 8:30 થી 9:00 વાગ્યાના અરસામાં એક્સપ્રેસ વે પર તાપી નદીના બ્રિજ પર એક ટ્રેલર કોઈ કારણસર ઊભું હતું. આ દરમિયાન પાછળથી આવી રહેલી કાર ઊભેલા ટ્રેલર સાથે ધડાકાભેર ભટકાઈ હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે, ડ્રાઈવર સાઈડનો ભાગ સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થઈ ગયો હતો અને ચાલક કેબિનમાં ફસાઈ ગયો હતો.
ઘટનાને પગલે હાઈવે પરથી પસાર થતા અન્ય વાહનચાલકો તાત્કાલિક મદદ માટે અટકી ગયા હતા અને બચાવ કામગીરી શરૂ કરી હતી. આ અકસ્માતની જાણ થતાં જ સુરત જિલ્લા ટ્રાફિક પોલીસની ટીમ એકશનમાં આવી હતી. તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. પોલીસે સ્થાનિક લોકોની મદદથી ભારે જહેમત બાદ ઈજાગ્રસ્તોને કારમાંથી બહાર કાઢ્યા હતા.
ઈજાગ્રસ્તોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યા હતા. અકસ્માતને કારણે એક્સપ્રેસ વે પર થોડો સમય માટે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી, જેને ટ્રાફિક પોલીસે હળવો કરાવ્યો હતો અને વાહનવ્યવહાર પૂર્વવત કરાવ્યો હતો.
(3:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
