News of Monday, 29th June 2026
સુરતના ઇચ્છાપોર પેટા વિભાગમાં જીવલેણ વિદ્યુત અકસ્માત: રજા પરના લાઇનમેનનું કાવાસ ગામે LT પોલ પર કામ કરતા વીજશોકથી મોત
લાઇનમેન રવિન્દ્ર પટેલ (58)નું નિધન, ગ્રાહકના કહેવાથી રજાના દિવસે એકલા જ સર્વિસ વાયર બદલવા ગયા હતા, ફ્યુઝ કાઢ્યા વગર-સલામતી સાધનો વિના કામ કરતા પોલ પર જ બેભાન થયા બાદ સિવિલમાં મૃત જાહેર

રાજકોટ તા.૨૯ : સુરત સિટી સર્કલના પીપલોદ વિભાગ હેઠળના ઇચ્છાપોર પેટા વિભાગમાં એક દુઃખદ જીવલેણ વિદ્યુત અકસ્માત સર્જાયો છે. કાવાસ ગામે ભવાણી મંદિર ટી.સી. વિસ્તારમાં 11 કે.વી. કાવાસ ફીડર પર કામ કરતા લાઇનમેનનું વીજશોકથી મોત નિપજ્યું છે.
મળતી માહિતી મુજબ, તા. 27-06-2026 ના રોજ સાંજે અંદાજે 07:15 વાગ્યે આ અકસ્માત બન્યો હતો. મૃતકનું નામ રવિન્દ્ર અર્જુનભાઈ પટેલ (ઉ.વ. 58, કર્મચારી નં. 7898) છે, જેઓ ઇચ્છાપોર પેટા વિભાગમાં લાઇનમેન તરીકે ફરજ બજાવતા હતા.
તે દિવસે શ્રી પટેલ સાપ્તાહિક રજા પર હતા. તેમ છતાં, તેમના ઓળખીતા ગ્રાહક જિગ્નેશ રાઠોડ દ્વારા એમ.એમ.બી. તથા સર્વિસ બદલવાની કામગીરી માટે સીધો ટેલિફોન કરાતા તેઓ પોતાના ઘરેથી જ કાવાસ ગામે કામ કરવા ગયા હતા. રજાના દિવસે હોવાથી તેઓ સવારે ઓફિસ કાર્યક્રમમાં હાજર રહ્યા ન હતા.
શ્રી પટેલ નવા સર્વિસ વાયરના જોડાણ માટે એલ.ટી. પોલ પર ચઢ્યા હતા. પ્રાથમિક તપાસમાં જણાયું છે કે તેમણે એલ.ટી. ડિસ્ટ્રિબ્યુશન બોક્સમાંથી ફ્યુઝ કાઢીને લાઇનને આઇસોલેટ કર્યા વગર જ કામગીરી શરૂ કરી હતી. સર્વિસ વાયર જોડતી વખતે તેમને વિદ્યુત આંચકો લાગ્યો હોવાની સંભાવના છે, જેના કારણે તેઓ પોલ પરના ફૂટરેસ્ટ પર જ બેભાન થઈ ગયા હતા.
સ્થાનિક બે વ્યક્તિઓએ તેમને પોલ પરથી નીચે ઉતાર્યા અને એક પ્રત્યક્ષદર્શીએ દોડી જઈ ડિસ્ટ્રિબ્યુશન બોક્સમાંથી ફ્યુઝ કાઢી નાખ્યા હતા. સ્થાનિકોએ તરત જ સી.પી.આર. આપી 108 એમ્બ્યુલન્સ બોલાવી હતી. ઇજાગ્રસ્તને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ, સુરત ખાતે ખસેડાયા, જ્યાં હાજર ડૉક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા. મૃત્યુનું ચોક્કસ કારણ જાણવા પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોવાઈ રહી છે.
પ્રાથમિક દ્રષ્ટિએ મૃત્યુનું કારણ એ જણાય છે કે મૃતક રજાના દિવસે એકલા જ કામ કરવા ગયા હતા, કોઈ સહાયક સ્ટાફ સાથે ન હતા, તેમજ લાઇન બંધ કર્યા વગર અને જરૂરી સલામતી સાધનોનો ઉપયોગ કર્યા વગર કામગીરી શરૂ કરી હતી. લાઇન સ્ટાફને હંમેશા જોડામાં કામ કરવાની સૂચના હોવા છતાં તેનું પાલન થયું ન હતું.
ઘટનાની જાણ થતા સુપરિન્ટેન્ડિંગ એન્જિનિયર બી.સી. ગોધાણી, ડેપ્યુટી એન્જિનિયર એ.એ. પટેલ અને ડેપ્યુટી એન્જિનિયર પી.એ. ગરાસિયાએ સ્થળ મુલાકાત લીધી હતી. ઇલેક્ટ્રિકલ ઇન્સ્પેક્ટરને વોટ્સએપ સંદેશ અને ટેલિફોન દ્વારા જાણ કરવામાં આવી છે. હાલ વિગતવાર તપાસ ચાલુ છે. - ડેપ્યુટી એન્જિનિયર, ઇચ્છાપોર પેટા વિભાગ
(12:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
