તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 27th May 2026
વલસાડના ઉમરગામમાં હચમચાવી નાખતી ઘટના: ઘરકંકાસથી કંટાળેલી માતાએ ત્રણ માસૂમ બાળકોને ઝેર આપી મોતને ઘાટ ઉતાર્યા બાદ પોતે પણ ઝેર ગટગટાવ્યું
પતિ સાથે ઝઘડા બાદ માતાએ ભર્યું અંતિમ પગલું: 7 વર્ષની દીકરી અને 5-3 વર્ષના બે દીકરાના મોતથી સમગ્ર પંથકમાં શોકનો માહોલ, મહિલાની હાલત ગંભીર

વલસાડ તા.૨૭ : વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાંથી હૃદય કંપાવી દે તેવી ઘટના સામે આવી છે. અહીં એક માતાએ ઘરકંકાસથી કંટાળીને પોતાના ત્રણ માસૂમ સંતાનોને ઝેર પીવડાવી મોતને ઘાટ ઉતારી દીધા હતા. બાળકોની હત્યા કર્યા બાદ માતાએ પણ ઝેર ગટગટાવી લેતા તેને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી મુજબ ઉમરગામના સરીગામ GIDC વિસ્તારમાં રહેતા પરિવારમાં પતિ પત્ની વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા. ગઈકાલે રાત્રે પણ કોઈ બાબતે બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. ત્યારબાદ પતિ કામ પર જતો રહ્યો હતો. પતિના ગયા બાદ માતાએ આવેશમાં આવીને આ ભયંકર પગલું ભર્યું હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.
માતાએ પોતાની 7 વર્ષની દીકરી અને 5 તથા 3 વર્ષના બે દીકરાઓને ઝેરી દવા પીવડાવી દીધી હતી. ત્યારબાદ તેણે પોતે પણ ઝેર પી લીધું હતું. થોડીવાર બાદ પાડોશીઓને ઘટનાની જાણ થતા તાત્કાલિક ચારેયને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના ડોક્ટરે ત્રણેય બાળકોને મૃત જાહેર કર્યા હતા. જ્યારે માતાની હાલત નાજુક હોવાથી તેને વધુ સારવાર માટે વલસાડ સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવી છે.
ઘટનાની જાણ થતા જ ઉમરગામ પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે ત્રણેય બાળકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે. પોલીસે જણાવ્યું કે પ્રાથમિક દૃષ્ટિએ આ ઘટના પારિવારિક ઝઘડાનું પરિણામ લાગી રહ્યું છે. મહિલા ભાનમાં આવ્યા બાદ તેનું નિવેદન લઈને વધુ તપાસ હાથ ધરવામાં આવશે.
એક સાથે ત્રણ માસૂમ બાળકોના મોતથી સમગ્ર ઉમરગામ પંથકમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. સ્થાનિક લોકોએ જણાવ્યું કે પરિવાર આર્થિક રીતે નબળો હતો અને પતિ પત્ની વચ્ચે નાની નાની બાબતોમાં ઝઘડા થતા રહેતા હતા. પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
(3:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
