<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th November 2026

બિરસા મુંડાની જન્મજયંતિએ જંગલ જમીનના હક્કપત્રોથી ભરૂચ-નર્મદાના આદિવાસીઓ બાકાત રહેવાની આશંકા

15 નવેમ્બરે રાજ્યના 14 આદિજાતિ જિલ્લાઓમાં ઉજવણી, નર્મદાના 800થી વધુ પેન્ડિંગ અરજદારોને હક્ક નહીં મળે તો ઉગ્ર આંદોલનની ચીમકી

(ભરત શાહ દ્વારા ) નર્મદા: ભગવાન બિરસા મુંડાની 151મી જન્મજયંતિ નિમિત્તે 15 નવેમ્બરના રોજ ગુજરાતના 14 આદિજાતિ જિલ્લાઓમાં જનજાતિ ગૌરવ દિવસની ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. જોકે, જંગલ જમીનના હક્કપત્રો આપવાના મુદ્દે ભરૂચ અને નર્મદા જિલ્લાના આદિવાસી ખેડૂતોને બાકાત રાખવાની આશંકાથી આદિવાસી સમાજમાં રોષ ફેલાયો છે.
આ ઉજવણીના આયોજન અંગે સાંસદ મનસુખ વસાવાની આગેવાનીમાં કમલમ, નર્મદા ખાતે ભાજપની બેઠક યોજાઈ હતી. જેમાં સાંસદ મુકેશ રાઠવા, ધારાસભ્ય ડૉ. દર્શનાબેન દેશમુખ, જિલ્લા ભાજપ પ્રમુખ શબ્દશરણ તડવી સહિત આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. નર્મદા જિલ્લામાં નાંદોદના રાજપીપળા અંબુભાઈ પુરાણી હાઈસ્કૂલ મેદાન અને દેડિયાપાડાના પીઠા ગ્રાઉન્ડ ખાતે કાર્યક્રમો યોજાશે. ભાજપ દ્વારા એક સપ્તાહ સુધી ગામેગામ કાર્યક્રમો યોજી સરકારી યોજનાઓની જાણકારી પહોંચાડવાનું આયોજન પણ કરવામાં આવ્યું છે.
સરકાર દ્વારા 15 નવેમ્બરે જંગલ જમીન ખેડતા પાત્ર ખેડૂતોને હક્કપત્રો આપવાની જાહેરાત કરવામાં આવી છે. પરંતુ સાગબારા તાલુકાના ખોપી સહિત 12 ગામોના ખેડૂતોની લાંબા સમયથી ચાલી રહેલી લડત અને પેન્ડિંગ અરજીઓને લઈને સવાલો ઊભા થયા છે. નર્મદા જિલ્લામાં 800થી વધુ અરજીઓ પેન્ડિંગ હોવાનું જાણવા મળ્યું છે, જેમાં સાગબારાની આશરે 630 અરજીઓનો સમાવેશ થાય છે. આ ખેડૂતો છેલ્લા 20થી 25 વર્ષથી જમીન ખેડતા હોવા છતાં હક્કપત્રોથી વંચિત રહેવાની આશંકા છે.
સાંસદ મનસુખ વસાવાએ વન વિભાગની નીતિ સામે નારાજગી વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, નર્મદા જિલ્લાના અનેક આદિવાસી પરિવારો વર્ષોથી જંગલ જમીન ખેડે છે. ખોપી ગામના લોકોએ ઉપવાસ સહિતના આંદોલનો કર્યા છે. રાજ્યના અન્ય આદિવાસી ખેડૂતોને હક્કપત્રો મળે અને ભરૂચ-નર્મદાના ખેડૂતો બાકાત રહે તે યોગ્ય નથી. આ મુદ્દે તેઓ રાજ્ય સરકાર સમક્ષ રજૂઆત કરશે.
નર્મદાના ખેડૂતોને હક્કપત્રો નહીં મળે તો આંદોલન વધુ ઉગ્ર બનવાની શક્યતા છે. બીજી તરફ, વન વિભાગની કથિત બેધારી નીતિથી આદિવાસીઓમાં અસંતોષ વધી રહ્યો છે

(10:33 PM IST)