<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 3rd July 2026

તાપી જિલ્લામાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: વાલોડ અને ડોલવણ તાલુકામાં અનરાધાર વરસાદ:50 જેટલા માર્ગો બંધ થતા ગામડાઓનો સંપર્ક તૂટ્યો

સુરતથી સાપુતારાને જોડતો મહત્વનો સ્ટેટ હાઈવે પાણીમાં ગરકાવ થતા એક તરફનો માર્ગ બંધ : અનેક માર્ગો નદીમાં ફેરવાયા :ભારે વરસાદના કારણે રસ્તાઓ પર પાણી ફરી વળતા વાહન વ્યવહારને માઠી અસર પહોંચી

તાપી જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી સતત પડી રહેલા ધોધમાર વરસાદે જનજીવનને ભારે મુશ્કેલીમાં મૂકી દીધું છે. ખાસ કરીને વાલોડ અને ડોલવણ તાલુકામાં વરસાદનું જોર એટલું વધારે છે કે અનેક માર્ગો નદીમાં ફેરવાઈ ગયા છે. ભારે વરસાદના કારણે રસ્તાઓ પર પાણી ફરી વળતા વાહનવ્યવહારને માઠી અસર પહોંચી છે.

 

સૌથી વધુ અસર સુરત અને સાપુતારાને જોડતા મુખ્ય સ્ટેટ હાઈવે પર જોવા મળી રહી છે. બેડચીત ચાર રસ્તાથી બુહારી તરફ જતા માર્ગ પર પાણી ભરાઈ જવાથી વાહનચાલકો માટે મુશ્કેલી ઊભી થઈ છે. સુરક્ષાના કારણોસર તંત્ર દ્વારા આ માર્ગ પરની એક તરફની અવરજવર બંધ કરી દેવામાં આવી છે. બુહારી અને ડોલવણ વચ્ચેનો આ માર્ગ ખૂબ જ મહત્વનો હોવાથી મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

 

 

માત્ર સ્ટેટ હાઈવે જ નહીં, પરંતુ ગ્રામીણ વિસ્તારોની સ્થિતિ પણ અત્યંત વિકટ બની છે. ભારે વરસાદને કારણે પંચાયત હસ્તકના કુલ 50 જેટલા ગ્રામીણ માર્ગો ઉપર પાણી ફરી વળતા તે બંધ કરવામાં આવ્યા છે. આ રસ્તાઓ બંધ થવાથી અનેક ગામડાઓનો જિલ્લા મથક અને અન્ય શહેરો સાથેનો સંપર્ક કપાઈ ગયો છે. ગ્રામીણ લોકો માટે દૂધ, શાકભાજી કે અન્ય જરૂરી ચીજવસ્તુઓની અવરજવર પણ મુશ્કેલ બની ગઈ છે.

 

વહીવટી તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારો અને પાણી ભરાયેલા રસ્તાઓ પરથી પસાર ન થવા માટે સૂચના આપવામાં આવી છે. વરસાદનું જોર યથાવત હોવાથી આગામી સમયમાં રસ્તાઓ ખૂલવાની શક્યતા ઓછી જણાય છે. સ્થાનિક પ્રશાસન અને ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમો સતત સ્થિતિ પર નજર રાખી રહી છે, જેથી જરૂર પડે તો તાત્કાલિક રાહત કામગીરી હાથ ધરી શકાય. આ પરિસ્થિતિમાં નાગરિકોને સાવચેત રહેવા અને તંત્રની માર્ગદર્શિકાનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે.

(6:30 PM IST)