<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 31st October 2026

ગુજરાતના ફોરેસ્‍ટર- બીટગાર્ડની હડતાલનો પાંચમો દિવસ

ગીર, સાસણ, વેળાવદર અને વાંસદા સહિતના જંગલોમાં પ્રવાસીઓનો ધસારો વધશે ત્‍યારે જ સુરક્ષા સંભાળતો સ્‍ટાફ મેદાનમાં ઉતર્યોઃ ગ્રેડ-પે, જોખમ ભથ્‍થા અને કાયમી પ્રશ્‍નોને લઈ સરકાર સામે આરપારની લડાઈ : હડતાલ પાછી ખેંચવા માટે વન વિભાગના ઉચ્‍ચ અધિકારીઓ દ્વારા વાટાઘાટો

અમદાવાદ, તા.૩૧: ગુજરાતના જંગલો અને વન્‍યજીવોની સુરક્ષા જેના ખભે છે એવા અંદાજે ૪૫૦૦ થી વધુ ફોરેસ્‍ટર અને બીટગાર્ડ  કર્મચારીઓ  અનિશ્‍ચિત મુદતની હડતાળ પર ઉતર્યા છે. વર્ષોથી પડતર પડેલા પ્રશ્‍નોનો ઉકેલ ન આવતા આખરે કર્મચારી મંડળોએ સરકાર સામે બાંયો ચડાવી છે.

આ આંદોલનની સીધી અસર દિવાળી વેકેશનમાં જોવા મળી શકે છે. દિવાળી વેકેશન અને ત્‍યાર પછીના પ્રવાસન સમયગાળામાં ગીર, દેવળિયા સફારી પાર્ક, વેળાવદર, વાંસદા અને જામબુઘોડા જેવા વન્‍યજીવ અભ્‍યારણ્‍યોમાં પ્રવાસીઓની ભારે ભીડ જોવા મળતી હોય છે. ત્‍યારે જો મોટી સંખ્‍યામાં કર્મચારીઓ હડતાળ પર ઉતરે તો વન વિભાગ સામે કામગીરીનું મોટું પડકાર ઉભું થઈ શકે છે. ખાસ કરીને રજાઓમાં પ્રવાસીઓની સંખ્‍યા વધારે ત્‍યારે તેની સુરક્ષા અને વ્‍યવસ્‍થા જાળવવી મુશ્‍કેલ બનશે.

કર્મચારી આગેવાનોના જણાવ્‍યા અનુસાર, તેમની મુખ્‍ય માંગણીઓમાં ગ્રેડ પેમાં સુધારો, સિકયોરિટી એલાઉન્‍સ અને જોખમ ભથ્‍થામાં વધારો મુખ્‍ય છે. જંગલમાં ફરજ બજાવતી વખતે વન્‍યજીવોનો અને અન્‍ય જોખમોનો સામનો કરવો પડતો હોવા છતાં તે મુજબનું જોખમ ભથ્‍થું મળતું ન હોવાનો વાંધો છે. આ ઉપરાંત બદલીના પ્રશ્‍નો પણ કર્મચારીઓમાં નારાજગી છે.

આ ઉપરાંત વન્‍યજીવોની સંખ્‍યા અને જંગલના વિસ્‍તારોમાં વધારો થતો હોય તો તેની સામે બીટ રાઉન્‍ડનું વિસ્‍તરણ અને કર્મચારીઓની સંખ્‍યામાં પણ વધારો થવો જોઈએ તેવી માંગ છે. પ્રમોશન અને વતનમાં બદલી સહિતના પ્રશ્‍નોનો ઉકેલ લાવવાની માંગ સાથે આંદોલન છેડાયું છે. આજે આ હડતાલનો પાંચમો દિવસ છે.

વન વિભાગના ઉચ્‍ચ અધિકારીઓ દ્વારા હડતાળ પાછી ખેંચવા અંગે વાટાઘાટો શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.

(3:18 PM IST)