<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 27th June 2026

વડોદરાના વાઘોડિયા રોડ પર વેપારી ઉપર ફિલ્‍મી ઢબે ફાયરિંગઃ યુવક ગંભીર

મૂળ દિલ્‍હીના વતની અને વડોદરામાં ગારમેન્‍ટનો વ્‍યવસાય કરતા ૩૭ વર્ષીય આશિષ બાકોલિયા ઉપર ગત રાત્રે હુમલો

વડોદરાઃ શહેરમાં ગુનેગારો બેફામ બન્‍યા હોય તેમ ગત મોડી રાત્રે એક સનસનાટીભરી ફાયરિંગની ઘટના સામે આવી છે. વાઘોડિયા ચોકડીથી વાઘોડિયા જવાના મુખ્‍ય માર્ગ પર કારમાં સવાર એક ગારમેન્‍ટ વેપારી પર મોટરસાયકલ પર આવેલા બે અજાણ્‍યા હુમલાખોરોએ ફાયરિંગ કર્યું હતું. આ હુમલામાં વેપારીને ખભાના ભાગે ગોળી વાગતા તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા.

મળતી માહિતી મુજબ, મૂળ દિલ્‍હીના વતની અને વડોદરામાં ગારમેન્‍ટનો વ્‍યવસાય કરતા ૩૭ વર્ષીય આશિષ બાકોલિયા ગત રાત્રે પોતાની કાર લઈને વાઘોડિયા ચોકડીથી વાઘોડિયા તરફ જઈ રહ્યા હતા. આ દરમિયાન બાઇક પર સવાર થઈને આવેલા બે અજાણ્‍યા શખસોએ તેમની કારનો પીછો કર્યો હતો અને અચાનક કારને ઓવરટેક કરીને આશિષભાઈને રોકયા હતા.

હુમલાખોરોએ કંઈ પણ વિચાર્યા વગર સીધું જ આશિષ પર ફાયરિંગ કરી દીધું હતું. ગોળી આશિષભાઈના ખભા (બાવળા) ના ભાગે વાગતા તેઓ કારમાં જ લોહીલુહાણ હાલતમાં ઢળી પડ્‍યા હતા. ઘટનાને અંજામ આપીને બંને શખસો બાઇક પર ધૂમ સ્‍ટાઇલમાં ફરાર થઈ ગયા હતા.

જાહેરમાં ફાયરિંગની ઘટનાને પગલે વડોદરા શહેર અને ગ્રામ્‍ય પોલીસનો કાફલો ઘટનાસ્‍થળે દોડી ગયો હતો. પોલીસે ગુનાની ગંભીરતાને જોઈને એફએસએલ (FSL) ની ટીમને પણ બોલાવી હતી અને ઘટનાસ્‍થળેથી મહત્‍વના વૈજ્ઞાનિક પુરાવાઓ એકત્ર કર્યા છે.

(1:17 PM IST)