<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 8th October 2026

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા ટેકનિકલ કેડરની લેખિત પરીક્ષાની ફાઈનલ આન્સર કી અને ગુણ જાહેર કરાયા

OMR શીટની પુનઃચકાસણી માટે ૧૫ ઓક્ટોબર સુધી રૂ. ૫૦૦ ના ડીડી સાથે અરજી કરી શકાશે : હાલ સીસીટીવી ફુટેજની ચકાસણી પ્રક્રિયા ચાલુ

અશ્વિન વ્યાસ દ્વારા, ગાંધીનગર:ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા રાજ્ય પોલીસ દળમાં 'Police Technical Cadre (Wireless)' ની ભરતી અંગે મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. જાહેરાત ક્રમાંક: GPRB/202526/2 અન્વયે વાયરલેસ પીએસઆઈ (PSI) અને ટેકનિકલ ઓપરેટરની કુલ ૮૭૦ જગ્યાઓ માટે ગત તા. ૨૩.૦૮.૨૦૨૬ ના રોજ લેખિત પરીક્ષા યોજાઈ હતી, જેમાં આશરે ૧૨૦૦૦ જેટલા ઉમેદવારોએ ભાગ લીધો હતો. ભરતી બોર્ડ દ્વારા તા. ૦૮.૧૦.૨૦૨૬ ના રોજ આ પરીક્ષાના પ્રશ્નપત્રની ફાઈનલ આન્સર કી (Final Answer Key) જાહેર કરવામાં આવી છે.

લેખિત પરીક્ષામાં હાજર રહેલા ઉમેદવારો પોતાના ગુણ જોઈ શકે તે માટે ભરતી બોર્ડની અધિકૃત વેબસાઈટ [https://gprb.gujarat.gov.in](https://gprb.gujarat.gov.in) પર લિંક ઉપલબ્ધ કરાવવામાં આવી છે. Technical Services ના તા. ૦૩.૧૦.૨૦૨૪ ના પરીક્ષા નિયમો મુજબ, જો કોઈ ઉમેદવાર પોતાની OMR Sheet ની પુનઃચકાસણી (રીચેકીંગ) કરાવવા ઈચ્છતા હોય તો તેમણે ૭ (સાત) દિવસમાં રૂ. ૫૦૦/- ના ડિમાન્ડ ડ્રાફ્ટ (DD) સાથે અરજી કરવાની રહેશે. આ અરજી તા. ૧૫.૧૦.૨૦૨૬ સુધીમાં રૂબરૂમાં અથવા સ્પીડ પોસ્ટ/કુરિયર દ્વારા 'ગુજરાત પોલીસ ભરતી બોર્ડની કચેરી, બંગલા નંબર: ગ-૧૨, સરિતા ઉદ્યાનની નજીક, સેક્ટર-૯, ગાંધીનગર' ના સરનામે મોકલી શકાશે.

વધુમાં ભરતી બોર્ડ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, લેખિત પરીક્ષા દરમિયાન ઉપયોગમાં લેવાયેલા વિવિધ પરીક્ષા કેન્દ્રોના CCTV કેમેરાની ચકાસણીની કામગીરી હાલ પ્રગતિ હેઠળ છે. આ ચકાસણી પૂર્ણ થયા બાદ નિયમાનુસાર આગળની દસ્તાવેજ ચકાસણી (Document Verification) અંગેની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

(6:16 PM IST)