તા. ૧૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૪ શુક્રવાર
News of Friday, 13th November 2026
સુરતના ઉન ભીંડી બજારમાં કાપડના ગોડાઉનમાં આગ ભભૂકી :એક કાર બળીને ખાક
ઘટનાસ્થળે લોકોની ભારે ભીડ એકત્ર થતાં સ્થિતિને નિયંત્રિત કરવા 2થી 3 પીસીઆર વાન પણ બોલાવવામાં આવી

સુરતના ઉન વિસ્તારમાં આવેલા ભીંડી બજારના સત્યનારાયણ નગરમાં કાપડના ગોડાઉનમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. ગોડાઉનમાં આગ લાગતાં જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
ગોડાઉનની આસપાસ રહેણાક વિસ્તાર આવેલો હોવાથી આગ ફેલાવાની આશંકાથી લોકો પોતાના ઘરમાંથી દોડીને બહાર આવી ગયા હતા. આગની ઘટનાને પગલે મોટી સંખ્યામાં લોકો ઘટનાસ્થળે એકત્ર થઈ ગયા હતા.
ફાયર વિભાગને આગ અંગે જાણ કરવામાં આવતાં જ ફાયરની ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરી હતી.
ઘટનાસ્થળે લોકોની ભારે ભીડ એકત્ર થતાં સ્થિતિને નિયંત્રિત કરવા 2થી 3 પીસીઆર વાન પણ બોલાવવામાં આવી હતી. પોલીસે સ્થળ પર પહોંચી ટ્રાફિકનું સંચાલન કર્યું હતું, જેથી ફાયર વિભાગની કામગીરીમાં અવરોધ ન સર્જાય.
આગની ઘટનામાં એક ફોર વ્હીલર કાર સંપૂર્ણપણે બળીને ખાક થઈ ગઈ હતી. જોકે, સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી
(10:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
