<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 13th November 2026

સુરતના મોટા વરાછા વિસ્તારમાં ક્રિષ્ના એવન્યુ બિલ્ડીંગના પાર્કિંગમાં આગ ભભૂકી:11 જેટલી ગાડીઓ બળીને ખાખ

અચાનક આગ ફાટી નીકળતા ભારે અફરાતફરી :બિલ્ડીંગની મીટર પેટીમાં શોર્ટ સર્કિટ થવાને કારણે આ આગ લાગી હોવાનું અનુમાન

સુરતના મોટા વરાછા વિસ્તારમાં આવેલી ક્રિષ્ના એવન્યુ બિલ્ડીંગના પાર્કિંગમાં આજે વહેલી સવારે આશરે ચાર વાગ્યાની આસપાસ અચાનક આગ ફાટી નીકળતા ભારે અફરાતફરી મચી ગઈ હતી. આ ભીષણ આગની લપેટમાં આવી જવાથી પાર્કિંગમાં પાર્ક કરાયેલી 11 જેટલી ગાડીઓ બળીને ખાખ થઈ ગઈ હતી, જ્યારે આગ લાગતા જ બિલ્ડીંગના રહીશોમાં નાસભાગ મચી ગઈ હતી. 

   બનાવની જાણ થતાં જ મોટા વરાછા ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી અને ફાયરના જવાનોએ સતત પાણીનો મારો ચલાવી એક કલાકની ભારે જહેમત બાદ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવ્યો હતો. સદનસીબે, આ દુર્ઘટનામાં કોઈપણ પ્રકારની જાનહાનિ થઈ ન હતી, જોકે પ્રાથમિક તપાસમાં બિલ્ડીંગની મીટર પેટીમાં શોર્ટ સર્કિટ થવાને કારણે આ આગ લાગી હોવાનું અનુમાન સેવાઈ રહ્યું છે.

(8:22 PM IST)