તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 25th September 2026
અમદાવાદ પાલડીમાં કોચરબ આશ્રમ નજીક સ્પામાં આગ ભભૂકી :ફાયર વિભાગની 7 ગાડીઓ ઘટનાસ્થળે :4 લોકોને રેસ્ક્યૂ કરાયા
ACમાં શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું અનુમાન:સ્થાનિક દુકાનદારોએ સ્પા સામે ગંભીર આક્ષેપ કરી રજૂઆતો છતાં કાર્યવાહી ન થઈ હોવાનો દાવો કર્યો

અમદાવાદના પાલડી વિસ્તારમાં કોચરબ આશ્રમ નજીક આવેલા એક સ્પામાં આગ લાગવાની ઘટના સામે આવી છે. આજે સાંજે આશરે 4 વાગ્યાના સમયગાળા દરમિયાન ફાયર વિભાગને સ્પામાં આગ લાગી હોવાનો કોલ મળ્યો હતો. માહિતી મળતાની સાથે જ ફાયર વિભાગની ટીમો ઘટનાસ્થળે દોડી ગઈ હતી. આગની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ફાયર વિભાગની 7 ગાડીઓ સાથે ઉચ્ચ અધિકારીઓ પણ સ્થળ પર પહોંચ્યા હતા.
સ્પામાં આગ લાગતા અંદર રહેલા લોકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ફાયર વિભાગની ટીમે તાત્કાલિક રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરી સ્પામાંથી 4 લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા હતા. પ્રાથમિક માહિતી મુજબ, સ્પાના ACમાં શોર્ટ સર્કિટ થતાં આગ લાગી હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે, આગનું ચોક્કસ કારણ ફાયર વિભાગની તપાસ બાદ જ સ્પષ્ટ થશે. ઉલ્લેખનીય છે કે આ આગમાં કેટલાક રુપિયા અને સમાન બળીને ખાખ થઈ ગયો છે.
ઘટનાની જાણ થતાં ધારાસભ્ય અમિતભાઈ શાહ પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને સમગ્ર મામલાની વિગતો મેળવી હતી. ફાયર વિભાગ દ્વારા આગ પર કાબૂ મેળવવા તેમજ કોઈ અન્ય વ્યક્તિ અંદર ફસાઈ ન હોય તે માટે તપાસ કરવામાં આવી હતી. ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં પણ લોકોના ટોળા એકત્ર થયા હતા.
આગની ઘટના વચ્ચે સ્પા અંગે સ્થાનિક દુકાનદારોએ ગંભીર આક્ષેપો કર્યા છે. સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે, આ સ્પામાં છેલ્લા આશરે 10 વર્ષથી દેહવ્યાપાર ચાલતો હોવાના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. સ્થાનિક દુકાનદારોએ એવો પણ દાવો કર્યો છે કે આ અંગે ગાંધીનગર સુધી રજૂઆતો કરવામાં આવી હતી, છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી.
સ્થાનિક વેપારીઓએ આક્ષેપ કર્યો છે કે સ્પામાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિ અંગે અગાઉથી રજૂઆતો કરવા છતાં સ્થાનિક પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. આગની ઘટનાની સાથે હવે સ્પા અંગે કરવામાં આવેલા આક્ષેપો પણ ચર્ચામાં આવ્યા છે.
(7:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
