તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 19th July 2026
બ્લાસ્ટ બાદ અમદાવાદમાં ફાયર વિભાગની મેગા ડ્રાઇવ:147 ગોડાઉન અને વેરહાઉસની તપાસ: 30 એકમોને નોટિસ: 4 એકમોને તાત્કાલિક સીલ કરાયા
આવતીકાલથી સમગ્ર શહેરમાં આ ઝુંબેશને વધુ તેજ બનાવવામાં આવશે, જેથી રહેણાંક અને કોમર્શિયલ વિસ્તારોમાં આગની ઘટનાઓને ટાળી શકાય

અમદાવાદમાં આગામી દિવસોમાં કોઈ મોટી દુર્ઘટના ન સર્જાય તે માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ના ફાયર વિભાગ દ્વારા સમગ્ર શહેરમાં એક સઘન 'મેગા ચેકિંગ ડ્રાઇવ' શરૂ કરવામાં આવી છે. આ વિશેષ ઝુંબેશ હેઠળ તમામ ઝોનમાં ટીમ દ્વારા ફાયર સેફ્ટીના નિયમોની ચકાસણી કરવામાં આવી રહી છે.
ફાયર વિભાગ દ્વારા અત્યાર સુધીમાં શહેરના કુલ 147 વિવિધ સ્થળોની તપાસ કરવામાં આવી છે. આ તપાસમાં ગોડાઉન, વેરહાઉસ અને અન્ય કોમર્શિયલ એકમોને મુખ્યત્વે નિશાન બનાવવામાં આવ્યા હતા. ચકાસણી દરમિયાન ફાયર સેફ્ટીના સાધનોનો અભાવ અને નિયમોના ગંભીર ભંગ બદલ કુલ 30 એકમોને નોટિસ ફટકારવામાં આવી છે. જેમાં 23 વેરહાઉસ અને ગોડાઉન તેમજ 7 અન્ય વ્યવસાયિક એકમોનો સમાવેશ થાય છે. એટલું જ નહીં, ફાયર સેફ્ટીની ગંભીર ખામીઓ ધરાવતા 4 એકમોને ફાયર વિભાગ દ્વારા તાત્કાલિક સીલ પણ કરી દેવામાં આવ્યા છે.
ફાયર વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર, જે પણ એકમો ફાયર સેફ્ટીના નિયમોનું પાલન નહીં કરે, તેમની સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.કાલથી સમગ્ર શહેરમાં આ ઝુંબેશને વધુ તેજ બનાવવામાં આવશે, જેથી રહેણાંક અને કોમર્શિયલ વિસ્તારોમાં આગની ઘટનાઓને ટાળી શકાય. ફાયર સેફ્ટીના સાધનો કાર્યરત રાખવા તે હવે દરેક એકમ માટે અનિવાર્ય બની ગયું છે.
(11:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
