<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 25th April 2026

ગુજરાતમાં કાળઝાળ ગરમીની 'અગ્નિપરીક્ષા': આગામી 48 કલાક આકાશમાંથી અગનગોળા વરસશે, પારો 44 ડિગ્રીને પાર પહોંચવાની ભીતિ

હવામાન વિભાગની રેડ વોર્નિંગ; અમરેલી 43.3 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, અમદાવાદમાં પણ તાપમાનનો પારો 43 ડિગ્રી સુધી ઉછળવાની શક્યતા

અમદાવાદ : ગુજરાતમાં ઉનાળો હવે તેના આકરા મિજાજમાં જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગ (IMD) દ્વારા રાજ્યમાં આગામી 48 કલાક માટે ગરમીની ગંભીર ચેતવણી જાહેર કરવામાં આવી છે. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં મહત્તમ તાપમાનમાં હજુ 2 થી 3 ડિગ્રીનો વધારો થવાની આગાહી છે, જેના કારણે જનજીવન પ્રભાવિત થઈ શકે છે. ખાસ કરીને આંતરિયાળ વિસ્તારોમાં તાપમાન 41 થી 44 ડિગ્રીની વચ્ચે રહેતા લોકોએ 'લૂ' અને અસહ્ય ગરમીનો સામનો કરવો પડશે.
છેલ્લા 24 કલાકના આંકડા મુજબ, સૌરાષ્ટ્રનું અમરેલી શહેર 43.3 ડિગ્રી સેલ્સિયસ તાપમાન સાથે રાજ્યનું સૌથી ગરમ કેન્દ્ર નોંધાયું હતું. અમદાવાદમાં પણ આવતીકાલે એટલે કે 26 એપ્રિલના રોજ આકાશ ચોખ્ખું રહેશે અને તાપમાન 43 ડિગ્રી સુધી પહોંચી શકે છે. જોકે, રાહતની વાત એ છે કે બે દિવસના આ આકરા સ્પેલ બાદ તાપમાનમાં ધીમે-ધીમે ઘટાડો થવાની સંભાવના છે.
સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર અને બફારો:
હવામાન નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને પાકિસ્તાની વિસ્તારો પર એક સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે, જેની અસર હેઠળ ગુજરાતનું વાતાવરણ ગરમાયું છે. સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં માત્ર ગરમી જ નહીં, પરંતુ ગરમ અને ભેજવાળા પવનોને કારણે અસહ્ય બફારાનો અનુભવ થશે. દરિયાકાંઠાના વિસ્તારોમાં તાપમાન 35 થી 40 ડિગ્રીની વચ્ચે રહેશે, પરંતુ ભેજને કારણે ગરમીની તીવ્રતા વધુ અનુભવાશે. તંત્ર દ્વારા નાગરિકોને બપોરના સમયે કામ વગર બહાર ન નીકળવા અને પૂરતા પ્રમાણમાં પ્રવાહી લેવા સલાહ આપવામાં આવી છે.

(6:51 PM IST)