<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 31st August 2026

મહેસાણામાં રાત્રે ધડાધડ ટક્કર બાદ ફાયરિંગઃ નાગલપુરમાં સ્કોર્પિયોમાં આવેલા શખ્સોનો ફિલ્મી ઢબે હુમલો: લેજેન્ડર કારને બે-ત્રણ વખત ટક્કર મારી ગોળીબારઃ મસ્તાની ગેંગના ભાવેશ રબારી - ઝીલિયા અને મિત્રોનો આબાદ બચાવ, હુમલાખોરોની શોધખોળ

મહેસાણા, તા. ૩૧ : મહેસાણાના નાગલપુર વિસ્તારમાં રવિવારે રાત્રે સ્કોર્પિયો કારમાં આવેલા અજાણ્યા શખ્સોએ લેજેન્ડર કારને ટક્કરો મારી ફાયરિંગ કરતાં ભારે ચકચાર મચી હતી. ઘટનાસ્થળેથી એક વપરાયેલ અને એક મિસફાયર રાઉન્ડ મળ્યો છે. પોલીસે સીસીટીવી ફૂટેજ કબજે કરી હુમલાખોરોની શોધ શરૂ કરી છે.

મહેસાણા શહેરના નાગલપુર વિસ્તારમાં પકવાન હોટલ નજીક રાત્રિના સમયે ફિલ્મી ઢબે ફાયરિંગની ઘટના બનતાં ભારે ચકચાર મચી ગઈ હતી. મસ્તાની ગેંગના મનાતા ભાવેશ ઝીલિયા - રબારી તેના મિત્રો સાથે સફેદ લેજેન્ડર કાર પાસે હતો ત્યારે સામેથી રોંગ સાઇડમાં આવેલી સફેદ સ્કોર્પિયો કારે લેજેન્ડર કારને બે-ત્રણ વખત જોરદાર ટક્કર મારી હતી. ત્યારબાદ સ્કોર્પિયોમાં આવેલા અજાણ્યા શખ્સોએ ભાવેશ અને તેના મિત્રોને નિશાન બનાવી ફાયરિંગ કર્યું હતું. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નહોતી. 

ઘટનાની જાણ થતાં પોલીસ અધિકારીઓ સહિતનો કાફલો સ્થળે દોડી ગયો હતો અને વિસ્તારને કોર્ડન કરી તપાસ હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં સ્થળ પરથી કુલ બે રાઉન્ડ મળ્યા હતા, જેમાં એક વપરાયેલો અને એક મિસફાયર થયેલો રાઉન્ડ હોવાનું સામે આવ્યું છે. 

આસપાસના સીસીટીવી કેમેરાના ફૂટેજ પણ પોલીસે કબજે કર્યા છે. સ્કોર્પિયોનો નંબર અને હુમલાખોરોની ઓળખ મેળવવા તપાસ ચાલી રહી છે. શહેરમાંથી આરોપીઓ ભાગી ન જાય તે માટે નાકાબંધી સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. 

(9:34 AM IST)