તા. ૨૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૪ સોમવાર
News of Sunday, 22nd November 2026
2027ની ચૂંટણી નહીં લડવાના નિર્ણય પર અડગ : સ્નેહમિલન કાર્યક્રમમાં સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદારનું મોટું નિવેદન
તેમણે કાર્યકર્તાઓને પંચાયતની ચૂંટણીમાં મોટું મન રાખવા અને ગામની એકતા જાળવવા અપીલ કર:સૌના સહયોગથી સાવલીનો વિકાસ કરવાનો સંકલ્પ વ્યક્ત કર્યો

વડોદરા જિલ્લાના સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદારે સ્નેહમિલન કાર્યક્રમમાં મોટું નિવેદન આપ્યું છે. 2027 ની વિધાનસભા ચૂંટણી નહીં લડવાની પોતાની વાત પર તેઓ હજુ પણ અડગ હોવાનું જણાવ્યું છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે, "હું મારી વાત પર અડીખમ છું, પછી ઈશ્વરની ઇચ્છા." ધારાસભ્યના આ નિવેદનથી સાવલી સહિત જિલ્લાના રાજકીય વર્તુળોમાં ફરી ચર્ચા શરૂ થઈ છે. આ ઉપરાંત તેમણે કાર્યકર્તાઓને પંચાયતની ચૂંટણી અને ગામની એકતા જાળવવા અંગે પણ મહત્વપૂર્ણ સંદેશ આપ્યો હતો.
દિવાળી સ્નેહમિલન કાર્યક્રમ દરમિયાન કેતન ઈનામદારે પોતાની રાજકીય ભૂમિકાને લઈને ફરી એકવાર સ્પષ્ટતા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, 2027 માં ચૂંટણી નહીં લડવાની વાત પર હું અડગ છું. હું મારી વાત પર અડીખમ છું, પછી ઈશ્વરની ઇચ્છા. તેમના આ નિવેદનથી આગામી વિધાનસભા ચૂંટણીમાં તેઓ ચૂંટણીના મેદાનમાં ઉતરશે કે નહીં તે મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે.
સ્નેહમિલન કાર્યક્રમમાં ધારાસભ્યએ કાર્યકર્તાઓને આગામી પંચાયતની ચૂંટણીને લઈને પણ સલાહ આપી હતી. તેમણે સૌને મોટું મન રાખીને ચૂંટણી લડવા અપીલ કરી હતી. ચૂંટણીમાં રાજકીય હરીફાઈ કે વ્યક્તિગત મતભેદોના કારણે ગામની એકતા અને અખંડિતતા તૂટવી ન જોઈએ તેમ તેમણે જણાવ્યું હતું. ચૂંટણી આવે અને જાય, પરંતુ ગામના લોકો વચ્ચેના સંબંધો જળવાઈ રહે તે જરૂરી હોવાનું તેમણે સમજાવ્યું હતું.
કેતન ઈનામદારે જનતાના સન્માનને લઈને પણ મહત્વપૂર્ણ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, "હું જીવું ત્યાં સુધી સરપંચ અને ધારાસભ્ય જેટલું માન જનતાને અપાવીશ." આ નિવેદન દ્વારા તેમણે સામાન્ય નાગરિકોના સન્માન અને સ્થાનિક સ્તરે લોકોની એકતાને પ્રાથમિકતા આપવાનો સંદેશ આપ્યો હતો.
કાર્યક્રમમાં કેતન ઈનામદારે આગામી દિવસોમાં સૌને સાથે રાખીને સાવલીના વિકાસ માટે કામ કરવાની વાત કરી હતી. તેમણે કાર્યકર્તાઓ અને સ્થાનિક આગેવાનોને પરસ્પર મતભેદો ભૂલીને એકસાથે આગળ વધવા અપીલ કરી હતી. આમ, એક તરફ 2027ની ચૂંટણી નહીં લડવાના નિર્ણય પર અડગ રહેવાની વાત અને બીજી તરફ પંચાયતની ચૂંટણીમાં ગામની એકતા જાળવવાનો સંદેશ આપતાં કેતન ઈનામદારનું નિવેદન રાજકીય ચર્ચાનું કેન્દ્ર બન્યું છે.
(11:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
