તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 1st September 2026
નર્મદા જિલ્લામાં હલકી ગુણવત્તાના ઘી ના વેચાણ કરવા બદલ પેઢીને રૂ. ૪.૮૦ લાખનો દંડ
ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ-૨૦૦૬ હેઠળ કાર્યવાહી : ઘીમાં વેજીટેબલ ઓઇલની ભેળસેળ જણાતા નમૂનો ‘Substandard’ જાહેર થયો

(ભરત શાહ દ્વારા ) નર્મદા:નર્મદા જિલ્લામાં ખાદ્ય ચીજ વસ્તુઓની ગુણવત્તા અને સલામતી જળવાઈ રહે તેમજ નાગરિકોને ગુણવત્તાસભર અને સલામત ખાદ્યપદાર્થો મળી રહે તે માટે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા નિયમિત તપાસ, નમૂના લેવાની તથા કાયદેસરની કાર્યવાહી કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.
આ કામગીરી અંતર્ગત ગત તા. ૧૭/૦૯/૨૦૨૫ના રોજ દેડીયાપાડા તાલુકા મથકના લીમડા ચોક વિસ્તારમાં આવેલી મે. ઈશ્વરભાઈ અંબાલાલ પટેલની પેઢીમાંથી “Gaukrish Ghee Made From Cow's Milk - 200ml Comp Pack Jar” નામના ઘીનો નમૂનો ફૂડ સેફ્ટી ઓફિસર દ્વારા લેવામાં આવ્યો હતો. આ નમૂનો પૃથક્કરણ માટે ફૂડ એનાલિસ્ટ, વડોદરા ખાતે મોકલવામાં આવ્યો હતો.
ફૂડ એનાલિસ્ટ, વડોદરાના પૃથક્કરણ અહેવાલમાં ઘીના નમૂનામાં વેજીટેબલ ઓઇલની ભેળસેળની હાજરી જણાઈ આવતાં નમૂનો “Substandard” (હલકી ગુણવત્તાવાળો) જાહેર કરવામાં આવ્યો હતો.
આ અંગે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ-૨૦૦૬ હેઠળ કેસની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. કેસની સુનાવણી બાદ એડજ્યુડીકેટિંગ ઓફિસર તથા નિવાસી અધિક કલેક્ટરશ્રી, નર્મદા-રાજપીપળા શ્રી સી.કે. ઉંધાડ દ્વારા હુકમ કરવામાં આવ્યો છે.
હુકમ અનુસાર:
1. વિશાલ ઈશ્વરભાઈ પટેલ, નમૂનો આપનાર વેન્ડર તથા પેઢીના માલિકને રૂ. ૩૦,૦૦૦/-નો દંડ ફટકારવામાં આવ્યો છે.
2. સચીનસિંઘ બુતનસિંઘ કુમાર, ઉત્પાદક પેઢીના નોમીની તથા ઉત્પાદક પેઢી એસઆરકે ડેરી ફાર્મ એન્ડ ફુડ્સ લિમિટેડ, સુરતને રૂ. ૪,૫૦,૦૦૦/-નો દંડ
ફટકારવામાં આવ્યો છે.
આમ, આ કેસમાં સંબંધિત પક્ષકારો સામે કુલ રૂ. ૪,૮૦,૦૦૦/- (ચાર લાખ એંસી હજાર રૂપિયા)નો દંડ ફટકારવામાં આવ્યો છે.
નર્મદા જિલ્લામાં ખાદ્ય ચીજવસ્તુઓની ગુણવત્તા અને સલામતી સાથે કોઈપણ પ્રકારનું સમાધાન ન થાય તે માટે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા સતત તપાસ અને નમૂના લેવાની કામગીરી કરવામાં આવી રહી છે. ખાદ્યપદાર્થોમાં ભેળસેળ અથવા હલકી ગુણવત્તા જણાય તો કાયદાની જોગવાઈઓ મુજબ જવાબદાર વ્યક્તિઓ સામે નિયમોનુસાર કાર્યવાહી કરવામાં આવશે.
નાગરિકોના આરોગ્ય સાથે સીધી રીતે સંકળાયેલી ખાદ્ય ચીજવસ્તુઓની ગુણવત્તા જળવાઈ રહે તે માટે તંત્ર દ્વારા હાથ ધરાતી આવી કામગીરીથી ખાદ્ય ચીજવસ્તુઓમાં ગુણવત્તા અને સલામતીના ધોરણોનું પાલન સુનિશ્ચિત કરવામાં મહત્વપૂર્ણ મદદ મળી રહી છે
(10:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
