<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 10th November 2026

શિનોરમાં નર્મદા કાંઠે ૧૬૦૦ મેગાવોટનું પ્રથમ થર્મલ પાવર સ્ટેશન બનશે: જમીન સંપાદનને અપાઈ ઝડપ

વડોદરા જિલ્લાના વિકાસમાં નવો અધ્યાય, GSECL દ્વારા ૮૦૦ મેગાવોટના બે યુનિટ સ્થાપવા ૪૨૫ હેક્ટર જમીન સંપાદનની કામગીરી પૂરજોશમાં

શિનોર :વડોદરા જિલ્લાના વિકાસમાં વધુ એક મોટો પ્રોજેક્ટ ઉમેરાવા જઈ રહ્યો છે, જ્યાં શિનોર તાલુકામાં નર્મદા નદીના કાંઠે જિલ્લાનું સૌપ્રથમ થર્મલ પાવર સ્ટેશન સ્થાપવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ગુજરાત સરકારે આ પ્રોજેક્ટને મંજૂરી આપ્યા બાદ જમીન સંપાદનની પ્રક્રિયાને ભારે વેગ મળ્યો છે. ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિસિટી કોર્પોરેશન લિમિટેડ (GSECL) દ્વારા સ્થાપવામાં આવનારા આ કોલસા આધારિત થર્મલ પાવર સ્ટેશન હેઠળ કુલ ૧૬૦૦ મેગાવોટ વીજળીનું ઉત્પાદન કરવામાં આવશે, જે માટે ૮૦૦ મેગાવોટ ક્ષમતાના બે આધુનિક યુનિટ બનાવવાનું આયોજન કરાયું છે.

આ મેગા પ્રોજેક્ટ માટે સુરાશામળ, મિંઢોળ અને માંજરોલ ગામોની આશરે ૪૨૫ હેક્ટર જમીન સંપાદિત કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. સરકાર દ્વારા આ અંગેનું પ્રાથમિક જાહેરનામું પણ બહાર પાડી દેવામાં આવ્યું છે, જેમાં સુરાશામળ ગામની ૧૭૦ હેક્ટરથી વધુ, મિંઢોળ ગામની ૧૭૩ હેક્ટરથી વધુ અને માંજરોલ ગામની ૧૭૨ હેક્ટરથી વધુ જમીનનો સમાવેશ થાય છે. વર્ષ ૨૦૧૩ના કાયદા હેઠળ હાથ ધરાઈ રહેલી આ પ્રક્રિયામાં સામાજિક અસર મૂલ્યાંકન (SIA)માંથી મુક્તિ બાદ કલમ ૧૦(એ) અને કલમ ૧૧ હેઠળના જાહેરનામા બહાર પડતાં કામગીરી આગળ વધી છે, સાથે જ જમીન ગુમાવનારા અસરગ્રસ્તોને યોગ્ય વળતર, પુનર્વસન અને પુનઃસ્થાપનની ખાતરી આપવામાં આવી છે.

શિનોર તાલુકામાં થર્મલ પાવર સ્ટેશન માટે નર્મદા નદીનો કાંઠો અત્યંત અનુકૂળ માનવામાં આવ્યો છે, કારણ કે નદીમાંથી પુષ્કળ પાણીની ઉપલબ્ધતા અને સામે કિનારે આવેલા ભરૂચ જિલ્લાના ઝઘડિયા વિસ્તારમાં લિગ્નાઇટ કોલસાની ખાણ હોવાથી કાચા માલની સગવડ સરળતાથી મળી રહેશે. ઉલ્લેખનીય છે કે શિનોરમાં પાવર સ્ટેશન સ્થાપવાની ચર્ચા છેલ્લા ચાર દાયકાથી ચાલી રહી હતી અને વર્ષ ૨૦૧૮માં પણ જમીન સંપાદનની તૈયારીઓ શરૂ કરાઈ હતી, પરંતુ વિવિધ કારણોસર તે સમયે કામગીરી અટકી પડી હતી.

હવે લાંબા સમયના વિલંબ બાદ સરકારે ફરીથી પ્રક્રિયા શરૂ કરતાં આ ક્ષેત્રમાં ઔદ્યોગિક વિકાસની નવી આશાઓ જાગી છે. આગામી સમયમાં જમીન સંપાદન, ખેડૂતોને વળતરની ચૂકવણી અને પર્યાવરણીય સહિતની તમામ જરૂરી મંજૂરીઓ પૂર્ણ થયા બાદ બાંધકામની પ્રત્યક્ષ કામગીરી શરૂ કરવામાં આવશે. આ પ્રોજેક્ટ કાર્યરત થતાં જ વડોદરા અને આસપાસના ઔદ્યોગિક વિસ્તારોને સાતત્યપૂર્ણ વીજ પુરવઠો મળશે તેમજ શિનોર તાલુકામાં સ્થાનિક રોજગારી અને આર્થિક પ્રગતિના નવા દ્વાર ખુલશે.

(12:36 AM IST)