તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 29th April 2026
સુરતમા વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં હાઇટેક ચોરીનો પ્રથમ કિસ્સો, 6 વિદ્યાર્થી ChatGPT અને Google Gemini વાપરી પરીક્ષામાં રંગેહાથ ઝડપાયા
સ્માર્ટવોચમાં AI ટૂલ્સથી લાઈવ જવાબો મેળવી કોડિંગ પેપરમાં ચોરી કરતા પકડાયા, યુનિવર્સિટીએ બે પરીક્ષા રદ કરી 10 હજારનો દંડ ફટકાર્યો

સુરત, તા. 29 : વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં હાઇટેક ચોરીનો પ્રથમ કિસ્સો સામે આવ્યો છે. કોમ્પ્યુટર સાયન્સ ફેકલ્ટી હેઠળ લેવાયેલી કોડિંગની પરીક્ષામાં 6 વિદ્યાર્થીઓ સ્માર્ટવોચમાં ChatGPT અને Google Gemini જેવા AI ટૂલ્સ વાપરી જવાબો લખતા ઝડપાયા હતા.
બુધવારે યોજાયેલી પરીક્ષા દરમિયાન સુપરવાઈઝરે બે BCAના વિદ્યાર્થીઓને કાંડા ઘડિયાળમાં કંઈક વાંચતા જોયા હતા. શંકાસ્પદ હિલચાલ જણાતા તપાસ કરતા બંને વિદ્યાર્થીઓ સ્માર્ટવોચ પર AI ટૂલથી લાઈવ જવાબો મેળવી ઉત્તરવહીમાં લખતા હોવાનું બહાર આવ્યું. યુનિવર્સિટીની વિજિલન્સ ટીમે વિદ્યાર્થીઓને રંગેહાથ પકડી લીધા હતા.
યુનિવર્સિટીના કુલપતિ કિશોરસિંહ ચાવડાએ જણાવ્યું કે આ ગંભીર બાબત છે. સામાન્ય કોપી કેસમાં 5000 રૂપિયા દંડ સાથે એક પેપર રદ થાય છે, પરંતુ આ કિસ્સામાં ડબલ એક્શન લેવાશે. બંને વિદ્યાર્થીઓની બે પરીક્ષા રદ કરી 10,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. આ પ્રકારની ચોરી પરીક્ષાની પવિત્રતા ભંગ કરે છે.
આ ઘટના બાદ યુનિવર્સિટીએ નવી ગાઈડલાઈન જાહેર કરી છે. હવે પરીક્ષા ખંડમાં મોબાઈલ ફોનની સાથે સ્માર્ટવોચ, ઈયરબડ્સ, ઈલેક્ટ્રોનિક પેન અને સ્માર્ટ રિંગ જેવા ઈન્ટરનેટ સાથે કનેક્ટ થઈ શકે તેવા તમામ ગેજેટ્સ લઈ જવા પર પ્રતિબંધ મૂકાયો છે. સુપરવાઈઝરોને ખાસ તકેદારી રાખવા સૂચના આપવામાં આવી છે.
VNSGU સાથે 1.25 લાખથી વધુ વિદ્યાર્થીઓ જોડાયેલા છે અને 250થી વધુ કેન્દ્રો પર પરીક્ષા લેવાય છે. યુનિવર્સિટી સ્કવોડને સ્માર્ટવોચથી ચોરી થતી હોવાની ટીપ મળી હતી. આ રાજ્યમાં AI ટૂલ્સ અને હાઇટેક ગેજેટ્સની મદદથી પરીક્ષામાં ચોરીનો કદાચ પ્રથમ નોંધાયેલ કિસ્સો છે.
(4:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
