<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 18th June 2026

પ્રથમ વરસાદે તંત્રની પોલ ખોલી :નડિયાદ શહેરના અનેક નીચાણવાળા વિસ્તારો અને મુખ્ય માર્ગો પર પાણી ભરાયા

ધોધમાર વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા:શહેરના ચાર મુખ્ય ગરનાળાઓમાં મોટા પ્રમાણમાં પાણી ભરાઈ જતાં નડિયાદ શહેર પૂર્વ અને પશ્ચિમ એમ બે ભાગમાં વહેંચાઈ ગયું અને વાહનવ્યવહાર સંપૂર્ણપણે ખોરવાયો

ખેડા જિલ્લાના મુખ્ય મથક નડિયાદમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. જોકે, આ પ્રથમ વરસાદે જ તંત્રની પ્રી-મોન્સૂન કામગીરીની પોલ ખોલી નાખી છે. નડિયાદ શહેરના અનેક નીચાણવાળા વિસ્તારો અને મુખ્ય માર્ગો પર પાણી ફરી વળ્યા છે, જેને કારણે સ્થાનિક રહીશો અને વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ ચોમાસાની શરૂઆતમાં જ શહેર સ્વિમિંગ પૂલમાં ફેરવાઈ ગયું હોય તેવા દ્રશ્યો સર્જાયા છે.

 

નડિયાદ શહેરમાં વહેલી સવારથી શરૂ થયેલા ધોધમાર વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે. સૌથી કપરી સ્થિતિ શહેરના ચાર મુખ્ય ગરનાળાઓની થઈ છે, જ્યાં વ્યાપક પ્રમાણમાં પાણી ભરાઈ જતાં નડિયાદ શહેર પૂર્વ અને પશ્ચિમ એમ બે ભાગમાં વહેંચાઈ ગયું છે અને વાહનવ્યવહાર સંપૂર્ણપણે ખોરવાઈ ગયો છે. આ દરમિયાન ખોડીયાર ગરનાળામાં પાણીના ભારે પ્રવાહ વચ્ચે એક પેસેન્જર રિક્ષા ફસાઈ ગઈ હતી અને બંધ પડી ગઈ હતી, જેને આખરે ડાલા (લોડિંગ વાહન)ની મદદથી દોરડું બાંધીને ભારે જહેમત બાદ બહાર ખેંચી લાવવી પડી હતી. આ દ્રશ્યો સોશિયલ મીડિયા પર પણ વાયરલ થયા છે અને તંત્ર સામે સવાલો ઊભા કરી રહ્યા છે.

 

સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, દર ચોમાસે નડિયાદમાં આ જ પ્રકારની ગંભીર સ્થિતિ સર્જાય છે અને વહીવટી તંત્ર માત્ર કાગળ પર જ કામગીરી કરતું હોય તેવું દેખાય છે. જોકે, બીજી તરફ નગરપાલિકા/કોર્પોરેશનના અધિકારીઓ દાવો કરી રહ્યા છે કે નીચાણવાળા વિસ્તારોમાંથી પાણીના નિકાલ માટે પંપિંગ સ્ટેશનો કાર્યરત કરવામાં આવ્યા છે અને સમસ્યાના કાયમી ઉકેલ માટે પ્રયાસો ચાલુ છે. પરંતુ સ્થાનિક નાગરિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને તેઓની સખત માંગ છે કે કોર્પોરેશન માત્ર કાગળ પર નહીં પણ ગ્રાઉન્ડ લેવલ પર સચોટ કામગીરી કરે, જેથી આગામી દિવસોમાં ભારે વરસાદ દરમિયાન આવી મુશ્કેલીઓનો ફરી સામનો કરવો ના પડે.

(8:01 PM IST)