<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 1st November 2026

પ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢમાં ઇતિહાસમાં પહેલીવાર દેશનો સૌપ્રથમ પ્રાકૃતિક અન્નકૂટ માતા મહાકાળીને અર્પણ કરાયો

હાલોલ કૃષિ યુનિવર્સિટીની પ્રેરણાદાયી પદયાત્રા: કોઈપણ પ્રકારના રાસાયણિક ખાતરો કે ઝેરી જંતુનાશક દવાઓ વગર સંપૂર્ણ પ્રાકૃતિક ખેતીના શુદ્ધ ઉત્પાદનોમાંથી આ અનોખી વાનગીઓ તૈયાર કરાઈ

પંચમહાલ જિલ્લાની ગિરિમાળામાં બિરાજમાન શક્તિપીઠ પાવાગઢ ખાતે એક અદ્ભુત અને આધ્યાત્મિક પ્રસંગ સંપન્ન થયો છે. જગતજનની માઁ મહાકાળીના દરબારમાં દેશનો સૌથી પહેલો પ્રાકૃતિક અન્નકૂટ અર્પણ કરવામાં આવ્યો છે. સનાતન સંસ્કૃતિમાં અન્નકૂટ મહોત્સવનું વિશેષ ધાર્મિક મહત્વ રહેલું છે. પાવાગઢના ઈતિહાસમાં પહેલીવાર સંપૂર્ણપણે રસાયણમુક્ત વાનગીઓ તૈયાર કરીને આ અનોખો ભોગ ધરાવવામાં આવ્યો છે. ભક્તિ, વિજ્ઞાન અને પર્યાવરણના આ પવિત્ર ત્રિવેણી સંગમથી સમગ્ર મંદિર પરિસર ધન્યતા અનુભવી રહ્યું છે. દર્શનાર્થે આવેલા હજારો શ્રદ્ધાળુઓમાં પણ આ પ્રાકૃતિક અન્નકૂટ ભારે આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો.

 

હાલોલ કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડૉ. સી. કે. ટીંમબડીયાના કુશળ માર્ગદર્શન હેઠળ આ ભગીરથ કાર્ય સંપન્ન થયું છે. યુનિવર્સિટીના પ્રાધ્યાપકો, સમગ્ર સ્ટાફ અને ઉત્સાહી વિદ્યાર્થીઓ એકત્ર થયા હતા. સૌ સભ્યો હાલોલથી શ્રદ્ધાભેર પદયાત્રા કરીને પાવાગઢ ડુંગરની ટોચ પર પહોંચ્યા હતા. માતાજી પ્રત્યેની અતૂટ શ્રદ્ધા અને ધરતી માતાના રક્ષણનો સંદેશ લઈને આ પદયાત્રા યોજાઈ હતી. પર્વતારોહણ કરીને મંદિરે પહોંચેલા તમામ વિદ્યાર્થીઓ અને અધ્યાપકોના ચહેરા પર અનોખો ઉત્સાહ છલકાતો જોવા મળતો હતો.

 

 

આ અન્નકૂટની મુખ્ય વિશેષતા તેની સંપૂર્ણ શુદ્ધતા અને સાત્વિકતા રહી છે. ખેતીમાં કોઈ પણ જાતના રાસાયણિક ખાતરો કે ઝેરી જંતુનાશક દવાઓનો ઉપયોગ કરાયો નથી. માત્ર ગૌઆધારિત શુદ્ધ પ્રાકૃતિક પદ્ધતિથી પકવેલા અનાજ, કઠોળ, તેલીબિયાં, શાકભાજી તેમજ ફળો મેળવવામાં આવ્યા હતા. આ શુદ્ધ સામગ્રીમાંથી અત્યંત ભક્તિભાવપૂર્વક વિવિધ પ્રકારની સ્વાદિષ્ટ અને પૌષ્ટિક વાનગીઓ બનાવવામાં આવી હતી. દરેક વાનગી પર્યાવરણ અને સ્વાસ્થ્ય બંને માટે સંપૂર્ણ હિતકારી સાબિત થઈ છે.

 

 

પાવાગઢ મંદિર પરિવાર અને ટ્રસ્ટીઓએ આ વિશિષ્ટ આયોજનનું હાર્દિક સ્વાગત કર્યું હતું. મંદિર પરિવારે કુલપતિ સહિત સમગ્ર યુનિવર્સિટી પરિવારનો અંતઃકરણપૂર્વક આભાર માન્યો હતો. વર્તમાન સમયમાં જ્યારે લોકો અનેક રોગોનો ભોગ બની રહ્યા છે, ત્યારે આ પહેલ સમાજને સાચી દિશા ચીંધે છે. પ્રકૃતિનું જતન કરીને જ માનવજાત તંદુરસ્ત રહી શકે છે. જગતજનનીના સાનિધ્યમાંથી સમગ્ર દેશમાં ઝેરમુક્ત પ્રાકૃતિક ખેતીનો પવિત્ર સંદેશ ફેલાય તેવો આ સંનિષ્ઠ પ્રયાસ લોકોમાં ખૂબ પ્રશંસા પામી રહ્યો છે.

(6:39 PM IST)