તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 16th May 2026
ગુજરાતના ઇતિહાસમાં પ્રથમવાર સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના આદેશથી શહેરભરમાં ‘પાણીની પરબ’ શરૂ : ટ્રાફિક સિગ્નલો અને પોલીસ સ્ટેશનોએ મુકાયા ઠંડા પાણીના કુલર
જોઇન્ટ સીપી સજનસિંહ પરમારના માર્ગદર્શન હેઠળ ડીસીપી અને એસીપી એમ.એમ. શેખ, એસ. ટંડન, વી. ગામીત તથા એચ.કે. ભરવાડ પોતે રસ્તા પર ઉતરી વ્યવસ્થા ખુલ્લી મૂકી

સુરત : સુરત શહેરમાં પડી રહેલી અતિશય અસહ્ય ગરમીને ધ્યાને લઈને સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે એક ઉત્કૃષ્ટ માનવીય અભિગમ દાખવતા ઐતિહાસિક નિર્ણય લીધો છે. પોલીસ કમિશનરના આદેશથી સુરતના તમામ મુખ્ય ટ્રાફિક સિગ્નલ, પોલીસ ચોકી, ચેક પોઈન્ટ અને પોલીસ સ્ટેશનો ખાતે જાહેર જનતા, વાહન ચાલકો, રાહદારીઓ તેમજ ફરજ પરના પોલીસ કર્મચારીઓ માટે ઠંડા પાણીના કુલર મૂકી ‘પાણીની પરબ’ શરૂ કરવામાં આવી છે. અતિશય ગરમીમાં કોઈ નાગરિક ‘લૂ’નો શિકાર ન બને અને ફરજ પરના ટીઆરબી જવાન, ટ્રાફિક પોલીસ સહિતના કર્મચારીઓને ત્વરિત રાહત મળે તે હેતુથી આ સરાહનીય વ્યવસ્થા ઉભી કરાઈ છે.
આદેશ છૂટતા જ ઉચ્ચ પોલીસ અધિકારીઓ એક્શન મોડમાં:
પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના આદેશ બાદ ટ્રાફિક જોઈન્ટ સીપી સજનસિંહ પરમારે તાત્કાલિક અસરથી ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (DCP) અને ચારેય આસિસ્ટન્ટ કમિશનર ઓફ પોલીસ (ACP) ને ફિલ્ડમાં ઉતરી કામગીરી પૂર્ણ કરવાની જવાબદારી સોંપી દીધી હતી. જેના પગલે શહેરના અલગ-અલગ વિસ્તારોમાં યુદ્ધના ધોરણે કુલર મૂકવાની કામગીરી શરૂ થઈ ગઈ હતી. એસીપી એમ.એમ. શેખ, એસીપી એસ. ટંડન, એસીપી વી. ગામીત અને એસીપી એચ.કે. ભરવાડ પોતે પોતાના હદ વિસ્તારમાં રસ્તા પર ઊભા રહીને આ ‘પરબ’ જાહેર જનતા માટે ખુલ્લી મૂકી હતી. ખુદ પોલીસ કમિશનરે પણ વિવિધ ટ્રાફિક પોઈન્ટની રૂબરૂ મુલાકાત લઈ વ્યવસ્થાનું બારીકાઈથી નિરીક્ષણ કર્યું હતું.
સુરત પોલીસની આ અનોખી પહેલની મુખ્ય વિશેષતાઓ:
* ઐતિહાસિક ઘટના: સુરતના ઇતિહાસમાં પ્રથમ વખત કોઈ પોલીસ કમિશનર દ્વારા કાયદા-વ્યવસ્થાની સાથે નાગરિકોની સુવિધા માટે શહેરભરમાં આવી કાયમી ‘પાણીની પરબ’ની વ્યવસ્થા કરવામાં આવી છે.
* વ્યાપક અને સચોટ આયોજન: ગરમીની તીવ્રતાને જોતા રેલવે સ્ટેશન, સેન્ટ્રલ બસ ડેપો, મુખ્ય રાજમાર્ગો, ભીડવાળા ચાર રસ્તા, ટ્રાફિક સિગ્નલ, પોલીસ ચોકી અને તમામ પોલીસ સ્ટેશનો સહિતના વ્યસ્ત સ્થળોએ કુલર ગોઠવવામાં આવ્યા છે.
* સંપૂર્ણ વ્યવસ્થા: આ તમામ કેન્દ્રો પર ઠંડા પાણીના કુલર સાથે જનતા માટે પ્લાસ્ટિક, સ્ટીલ અને કાચના ગ્લાસની પૂરતી સુવિધા કરાઈ છે. કોઈ પણ સ્થળે પાણી ખૂટે નહીં તેની ચોવીસ કલાક તકેદારી રાખવા ખાસ સૂચના અપાઈ છે.
* પબ્લિક-પોલીસ સંયોજન: સૌથી વધુ અવર-જવરવાળા અને સંવેદનશીલ વિસ્તારોમાં સ્થાનિક સેવાભાવી લોકો અને પોલીસના સંયુક્ત સંયોજનથી આ ‘પરબ’નું સુચારુ સંચાલન કરવામાં આવશે.
નાગરિકો અને વાહનચાલકોમાં ભારે આનંદની લાગણી:
‘તરસ્યાને પાણી પીવડાવવું એ સૌથી મોટું પૂણ્યનું કામ છે’ એ ઉક્તિને સાર્થક કરતા સુરત શહેર પોલીસના જનસંપર્ક અધિકારી દ્વારા સત્તાવાર યાદી જાહેર કરીને આ વ્યવસ્થાની વિસ્તૃત વિગતો આપવામાં આવી હતી. સુરત પોલીસના આ માનવતાવાદી કાર્યને પગલે કાળઝાળ ગરમીમાં રસ્તા પરથી પસાર થતા લાખો વાહનચાલકો, રાહદારીઓ તેમજ કલાકો સુધી તડકામાં ઉભા રહીને ફરજ બજાવતા ટ્રાફિક જવાનોને મોટી રાહત મળશે. સોશિયલ મીડિયા અને લોકમુખે સુરત પોલીસની આ પરોપકારી કામગીરીની વ્યાપક પ્રશંસા થઈ રહી છે.
(2:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
