તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 24th October 2026
એકતાનગરમાં પાંચ બાઈક એમ્બ્યુલન્સ દ્વારા તાત્કાલિક અને નિઃશુલ્ક આરોગ્ય સેવાઓની સુવિધા
રાષ્ટ્રીય એકતા દિવસની પૂર્વતૈયારીઓમાં જોડાયેલા શ્રમિકો અને કર્મચારીઓને સ્થળ પર જ પ્રાથમિક સારવાર પૂરી પાડવા આરોગ્ય વિભાગ સજ્જ: મોબાઈલ હેલ્થ યુનિટના માધ્યમથી આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ કરાવી આરોગ્ય વિભાગે અપનાવ્યો જનહિતલક્ષી અભિગમ

રાજપીપલા:સરદાર સાહેબની ૧૫૧મી જન્મજયંતી નિમિત્તે એકતાનગર ખાતે તા. ૩૦ અને ૩૧ ઓક્ટોબર, ૨૦૨૬ના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ઉપસ્થિતિમાં યોજાનાર રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી દરમિયાન મોટી સંખ્યામાં મહાનુભાવો અને નાગરિકો ઉપસ્થિત રહેવાના હોવાથી આરોગ્ય સેવાઓ સુલભ બની રહે તે માટે નર્મદા જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા આગોતરું આયોજન કરવામાં આવ્યું છે.
કાર્યક્રમની સફળતા માટે એકતાનગરમાં વિવિધ સ્થળોએ કામગીરી કરતા શ્રમિકો, કર્મચારીઓ અને અન્ય જરૂરી સ્ટાફના સ્વાસ્થ્યની કાળજી લેવાના હેતુથી આરોગ્ય વિભાગ દ્વારા મોબાઈલ હેલ્થ યુનિટના માધ્યમથી નિઃશુલ્ક પ્રાથમિક આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. આ વ્યવસ્થા હેઠળ પાંચ બાઈક એમ્બ્યુલન્સ ટીમો કાર્યરત કરવામાં આવી છે, જે જરૂરિયાતના સ્થળે ઝડપથી પહોંચીને આરોગ્યલક્ષી તકલીફ ધરાવતા લોકોને સ્થળ પર જ તાત્કાલિક પ્રાથમિક સારવાર પૂરી પાડે છે.
આ અંગે નર્મદા જિલ્લાના એપેડેમિક મેડિકલ ઓફિસર ડૉ. આર. એસ. કશ્યપે જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીને ધ્યાનમાં રાખીને આરોગ્ય વિભાગ દ્વારા બાઈક એમ્બ્યુલન્સના માધ્યમથી તાત્કાલિક તબીબી સહાયની વિશેષ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. કાર્યક્રમની તૈયારીઓમાં જોડાયેલા શ્રમિકો, ડીએસએફ સહિતના જરૂરી સ્ટાફને કામકાજ દરમિયાન કોઈ આરોગ્યલક્ષી તકલીફ ઊભી થાય તો મેડિકલ ટીમ દ્વારા સ્થળ પર જ પ્રાથમિક સારવાર આપવામાં આવે છે. આ વ્યવસ્થાનો મુખ્ય ઉદ્દેશ જરૂરિયાતના સમયે વિલંબ વિના આરોગ્ય સહાય પૂરી પાડવાનો છે.
મેડિકલ ઓફિસર કરણભાઈ પવારે જણાવ્યું હતું કે, એકતાનગર ખાતે કુલ પાંચ બાઈક એમ્બ્યુલન્સ ફાળવવામાં આવી છે. આ ટીમોમાં પાંચ મેડિકલ ઓફિસર તથા પેરામેડિકલ સ્ટાફની મદદથી જરૂરિયાતમંદોને નિઃશુલ્ક પ્રાથમિક સારવાર આપવામાં આવે છે. બાઈક એમ્બ્યુલન્સ ટીમો સવારે ૯ થી સાંજે ૫ વાગ્યા સુધી કાર્યરત રહીને ખાંસી, શરદી, તાવ, શરીરનો દુખાવો સહિતની સામાન્ય આરોગ્યલક્ષી તકલીફોમાં તબીબી સહાય પૂરી પાડે છે.
બાઈક એમ્બ્યુલન્સની વિશેષતા એ છે કે, જ્યાં વાહનવ્યવહારની ભીડ, વધુ અવરજવર અથવા સ્થળની ભૌગોલિક પરિસ્થિતિને કારણે અન્ય વાહનો દ્વારા ઝડપથી પહોંચવું મુશ્કેલ હોય, ત્યાં આ ટીમો સરળતાથી પહોંચી શકે છે. પરિણામે, કાર્યક્રમનાં વિવિધ સ્થળોએ કામગીરી કરતા શ્રમિકો અને કર્મચારીઓને સમયસર આરોગ્ય સહાય મળી રહે છે. સ્થળ પર જ પ્રાથમિક સારવાર ઉપલબ્ધ થવાથી નાની-મોટી આરોગ્યલક્ષી તકલીફોના કિસ્સામાં તાત્કાલિક મદદ મળી રહે છે અને જરૂરિયાત મુજબ આગળની સારવાર માટે પણ યોગ્ય માર્ગદર્શન આપી શકાય છે.
(12:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
