તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 28th May 2026
કરજણના ધારાસભ્ય અક્ષય પટેલના પુત્ર ઋષિ પટેલ સહિત પાંચ શખ્સો પોલીસ સમક્ષ હાજર: તુરત જામીન મળતા ભારે ચકચાર
કાયદાકીય પ્રક્રિયા લાંબી ચાલશે તેવી અટકળો વચ્ચે પોલીસે તમામ આરોપીઓની ધરપકડ કર્યાના ગણતરીના કલાકોમાં જામીન પર છોડી મુકતા પોલીસની કામગીરી પર આક્ષેપો

વડોદરા :બે આદિવાસી ડ્રાઈવરો પર જીવલેણ હુમલાના ગુનામાં નાસતા ફરતા કરજણના ધારાસભ્ય અક્ષય પટેલના પુત્ર ઋષિ પટેલ સહિત પાંચ શખ્સો આખરે પોલીસ સમક્ષ હાજર થઈ ગયા છે. જોકે, પોલીસ મથકે હાજર થયાના ગણતરીના કલાકોમાં જ તમામ આરોપીઓને જામીન પર મુક્ત કરી દેવામાં આવતા ખળભળાટ મચી ગયો છે.
મળતી માહિતી મુજબ, થોડા દિવસો અગાઉ બે આદિવાસી સમાજના ડ્રાઈવરો પર ક્રૂર હુમલો કરવામાં આવ્યો હતો. આ મામલે કરજણના ધારાસભ્ય અક્ષય પટેલના પુત્ર ઋષિ અક્ષય પટેલ, જયદ્રથસિંહ રાજ, જાવિદખાન પઠાણ, સાહિલ પટેલ અને વિજયસિંહ રાજપુત વિરુદ્ધ ગુનો નોંધાયો હતો. ગુનો દાખલ થયા બાદ ધરપકડથી બચવા પાંચેય આરોપીઓ ભૂગર્ભમાં ઉતરી ગયા હતા.
લાંબા સમયની સંતાકૂકડી બાદ, પાંચેય આરોપીઓ નાટકીય ઘટનાક્રમ વચ્ચે પોલીસ સમક્ષ હાજર થઈ ગયા હતા. કાયદાકીય પ્રક્રિયા લાંબી ચાલશે તેવી અટકળો વચ્ચે પોલીસે તમામ આરોપીઓની ધરપકડ કર્યાના ગણતરીના કલાકોમાં જામીન પર છોડી મૂક્યા હતા. ત્યારે પોલીસની કામગીરી પર આક્ષેપો મૂકવામાં આવ્યા હતા. ઋષિ પટેલને જામીન મળી જતા આદિવાસી સમાજ અને સ્થાનિક લોકોમાં ભારે રોષની લાગણી જોવા મળી હતી.
(1:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
