<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 25th July 2026

નવસારીમાં પૂરનો હાહાકાર: ભારતીય સેનાના મરાઠા યુનિટનો પ્રશંસનીય જંગ, જળમગ્ન વિસ્તારોમાંથી ૬૩ લોકોને ઉગારી નવજીવન આપ્યું!

કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ અને નરેશ પટેલે પૂરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચી સ્થિતિ સમીક્ષી: કૅશડોલ્સ, ઘરવખરી અને પશુધનના નુકસાન સામે તાત્કાલિક સહાયની મોટી જાહેરાત

નવસારી : નવસારી જિલ્લામાં ભારે વરસાદને પગલે સર્જાયેલી જળપ્રલયની કટોકટીમાં ભારતીય સેનાના મરાઠા યુનિટના જવાનોએ સાચા રક્ષક બનીને પ્રશંસનીય કામગીરી કરી છે. તારીખ ૨૪ અને ૨૫ જુલાઈ દરમિયાન હાથ ધરાયેલા વ્યાપક બચાવ અને રાહત અભિયાન હેઠળ મરાઠા રેજિમેન્ટે રિંગ રોડ, ટાટા હાઈસ્કૂલ અને આસપાસના સંપૂર્ણ જળમગ્ન વિસ્તારોમાંથી પાણીના ધસમસતા પ્રવાહમાં ફસાયેલા ૬૩ લોકોને સુરક્ષિત બહાર કાઢીને નવજીવન બક્ષ્યું છે. સેના દ્વારા અસરગ્રસ્તોને શુદ્ધ પીવાનું પાણી, રાશન કિટ્સ અને જરૂરી દવાઓનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું.

આ વિકટ પરિસ્થિતિ વચ્ચે સ્થિતિની સમીક્ષા કરવા કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ અને રાજ્યના આદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઈ પટેલે નવસારીની મુલાકાત લીધી હતી. તેમણે સૌપ્રથમ ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ ખાતે કલેક્ટર મનીષ ગુરવાની પાસેથી બચાવ કામગીરીનો અહેવાલ મેળવ્યો હતો. ત્યારબાદ મંત્રીઓએ ગણદેવીના સોનવાડી, બીલીમોરાના ઊંડાચ અને ચીખલીના પૂરગ્રસ્ત વિસ્તારોમાં રૂબરૂ પહોંચી સ્થાનિકોના દુઃખ-દર્દ સાંભળ્યા હતા. કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલે જાહેરાત કરી હતી કે પૂરપીડિતોને કેશડોલ્સ સાથે ઘરવખરી અને પશુધનના નુકસાન બદલ સરકારી ધોરણો મુજબ ઝડપથી સહાય ચૂકવવામાં આવશે.

બીજી તરફ, પૂરના કારણે એક કરૂણ ઘટના પણ સામે આવી છે. ચીખલી તાલુકાના સાદડવેલ ગામે ગોડાવન ફળિયામાં રહેતા ૫૮ વર્ષીય યોગેશભાઈ રમણભાઈ પટેલના ઘરમાં પૂરના પાણી ભરાઈ ગયા હતા. શનિવારે સવારે ઘર નજીકથી જ તેમનો મૃતદેહ મળી આવતાં ભારે અરેરાટી વ્યાપી ગઈ હતી. ઘટના અંગે પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. હાલમાં તંત્ર દ્વારા રોગચાળો અટકાવવા યુદ્ધના ધોરણે સફાઈ અને દવા છંટકાવનું કામ ચાલી રહ્યું છે.

(10:51 PM IST)