તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 1st August 2026
નવસારી જિલ્લામાં જળબંબાકાર : વાંસદામાં આભ ફાટ્યું : 14 ઇંચ વરસાદથીજળપ્રલય જેવી સ્થિતિ :વાસણા મહાદેવ વિસ્તરમાં પાણી ભરાયા :રસ્તાઓ નદીમાં ફેરવાયા
કાંટસવેલ ગામ પાસે વરસાદી પાણીમાં કેટલાક વાહનચાલકો અને નાગરિકો ફસાઈ ગયા: પોલીસ જવાનોએ જીવના જોખમે પૂરના ઘસમઘસતા પાણીમાં ઉતરીને ફસાયેલા નાગરિકોનું સફળ રેસ્ક્યૂ કર્યું

દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ અત્યંત આક્રમક મિજાજ ધારણ કર્યો છે, જેના કારણે નવસારી જિલ્લામાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ ગઈ છે. નવસારીના પર્વતીય અને ગ્રામ્ય વિસ્તાર ગણાતા વાંસદા તાલુકામાં આકાશી આફત વરસી છે. સાંજે 8 વાગ્યા સુધીના આંકડાઓ મુજબ વાંસદામાં મેઘરાજાએ અવિરત બેટિંગ કરીને જબરદસ્ત 14 ઈંચ જેટલો તોફાની વરસાદ વરસાવી દીધો છે, જેનાથી સમગ્ર તાલુકામાં જળપ્રલય જેવી સ્થિતિ ઊભી થઈ છે.
ભારે વરસાદ અને પૂરના પાણીના પ્રવાહને કારણે વાંસદાના વાસણા મહાદેવ વિસ્તારમાં પાણી ફરી વળ્યા છે અને રસ્તાઓ નદીમાં ફેરવાઈ ગયા છે. ખાસ કરીને વાંસદાથી ચીખલી જતા મુખ્ય માર્ગ પર આવેલા કાંટસવેલ ગામ પાસે વરસાદી પાણીમાં કેટલાક વાહનચાલકો અને નાગરિકો ફસાઈ ગયા હતા. પાણીનો પ્રવાહ એટલો તેજ હતો કે લોકો જીવ બતાવા માટે મુશ્કેલીમાં મુકાયા હતા.
આ ગંભીર કટોકટીના સમયે વાંસદા પોલીસ સ્ટેશનના પીઆઈ અને તેમની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. પોલીસ જવાનોએ જીવના જોખમે પૂરના ઘસમઘસતા પાણીમાં ઉતરીને ફસાયેલા નાગરિકોનું સફળ રેસ્ક્યૂ કર્યું હતું. પોલીસની આ ત્વરિત અને માનવતાવાદી કામગીરીને કારણે મોટો અનર્થ ટળ્યો હતો અને તમામ લોકોને સહીસલામત બહાર કાઢવામાં આવ્યા હતા. સ્થાનિક નાગરિકો દ્વારા પોલીસની આ પ્રશંસનીય અને સાહસિક કામગીરીને ખુલ્લા મનથી બિરદાવવામાં આવી રહી છે.
(12:45 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
