<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 23rd July 2026

નેત્રંગમાં જળપ્રલય: થવા આશ્રમ માર્ગ બંધ, અનેક ગામો સંપર્કવિહોણા – NDRF ટીમ સ્થળ પર તૈનાત

ભારે વરસાદે નેત્રંગને બાનમાં લીધું: કમર સુધી પાણી, માર્ગો બંધ, ગામો કટ ઑફ

( ભરત શાહ દ્વારા ) નર્મદા:ઉપરવાસમાં સતત વરસી રહેલા ભારે વરસાદને પગલે નેત્રંગ તાલુકામાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. નેત્રંગ તાલુકાના બેડા કંપનીથી થવા આશ્રમ જતાં મુખ્ય માર્ગ પર કમર સમા પાણી ફરી વળતાં વાહનવ્યવહાર સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગયો છે. રસ્તો પાણીમાં ગરકાવ થતાં સ્થાનિકો અને મુસાફરો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે.

  પૂરની સ્થિતિને કારણે મંડાળા, ખાબજી સહિત અનેક ગામોનો સંપર્ક મુખ્ય મથક સાથે તૂટી ગયો છે. માર્ગો બંધ થઈ જતાં રોજિંદા જીવન પર ગંભીર અસર પડી છે. માર્ગ પર પાણી ફરી વળતાં વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને અનેક વિસ્તારોમાં શાળા-કોલેજો બંધ રાખવાની ફરજ પડી છે. વિદ્યાર્થીઓ, નોકરીયાતો તેમજ ગ્રામજનોને અવરજવર માટે ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને નેત્રંગ ખાતે NDRF (નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ)ની ટીમને થવા વિસ્તારમાં તૈનાત કરવામાં આવી છે. બચાવ અને રાહત કામગીરી માટે ટીમ સતત સતર્ક છે અને સ્થાનિક વહીવટી તંત્ર સાથે સંકલન કરીને પરિસ્થિતિ પર નજર રાખી રહી છે.
જિલ્લા વહીવટીતંત્ર દ્વારા નદી-નાળાઓ અને પાણી ભરાયેલા માર્ગો પરથી પસાર ન થવા લોકોને અપીલ કરવામાં આવી છે. નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને ખાસ સાવચેતી રાખવા તેમજ કોઈપણ ઇમરજન્સી સર્જાય તો તાત્કાલિક તંત્રનો સંપર્ક કરવા સૂચના આપવામાં આવી છે.
ભારે વરસાદ યથાવત રહેતાં આગામી કલાકોમાં સ્થિતિ વધુ ગંભીર બની શકે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. વહીવટી તંત્ર દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે અને જરૂરિયાત મુજબ વધુ બચાવ દળોને પણ તૈયાર રાખવામાં આવ્યા છે.

(11:43 PM IST)