તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 30th April 2026
સુરતમાં ખાદ્ય પદાર્થોમાં ગડબડ: ઘી-આઈસ્ક્રીમના સેમ્પલ ફેલ, મનપાની કડક કાર્યવાહી : મહાનગરપાલિકાના ફૂડ વિભાગની તપાસમાં ન્યૂ અદિનાથ ડેરી સહિત અનેક એકમોમાંથી લીધેલા ઘી અને આઈસ્ક્રીમના છ સેમ્પલ અસુરક્ષિત અને સબસ્ટાન્ડર્ડ જાહેર
શ્રી મૌલી ગોલ્ડ ઘી, મોતીરાજ પ્રીમિયમ દેશી ઘીમાં ટ્રાન્સ ફેટ વધુ, વેનીલા અને મલાઈ પિસ્તા આઈસ્ક્રીમમાં દૂધની ચરબી ઓછી, જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી શરૂ

સુરત તા.૩૦ : સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગની ફૂડ ઈન્સ્પેક્શન ટીમે શહેરમાં ચલાવેલી સઘન તપાસ દરમિયાન ખાદ્ય પદાર્થોમાં મોટી ગડબડ સામે આવી છે. પાલિકાની પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં તપાસ માટે મોકલાયેલા ઘી અને આઈસ્ક્રીમના છ સેમ્પલ ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ 2006 હેઠળ નિર્ધારિત માપદંડો પર નિષ્ફળ ગયા છે. આ તમામ સેમ્પલ અસુરક્ષિત અથવા સબસ્ટાન્ડર્ડ જાહેર કરવામાં આવ્યા છે અને જવાબદાર એકમો સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
મનપાની ટીમે કોસાડ સ્થિત ન્યૂ અદિનાથ ડેરી પ્રોડક્ટ ગોડાઉનમાંથી ચાર ઘીના સેમ્પલ લીધા હતા. લેબ રિપોર્ટ મુજબ શ્રી મૌલી ગોલ્ડ ઘી પ્રીમિયમ કાઉ ઘી, મોતીરાજ પ્રીમિયમ દેશી ઘી અને મોતીરાજ પ્રીમિયમ કાઉ ઘીના સેમ્પલમાં ટ્રાન્સ ફેટનું પ્રમાણ માન્ય મર્યાદા કરતા વધુ હોવાથી તેને અસુરક્ષિત જાહેર કરવામાં આવ્યા છે. આ ઉપરાંત શાશ્વત પ્રીમિયમ કાઉ પ્યોર ઘીના સેમ્પલમાં બીટા-સિટોસ્ટેરોલની હાજરી મળી આવતા તેને સબસ્ટાન્ડર્ડ ગણવામાં આવ્યું છે. બીટા-સિટોસ્ટેરોલની હાજરી ઘીમાં ભેળસેળ અથવા વનસ્પતિ તેલની મિલાવટનો સંકેત આપે છે.
આ ઉપરાંત શહેરના સિટી લાઈટ વિસ્તારમાં આવેલા શિવ કૈલાશ આઈસ્ક્રીમ એન્ડ જ્યુસ પાર્લરમાંથી લીધેલ વેનીલા આઈસ્ક્રીમનો સેમ્પલ પણ નિષ્ફળ ગયો છે. લેબ રિપોર્ટ મુજબ આ આઈસ્ક્રીમમાં દૂધની ચરબી અને બ્યુટિરો-રિફ્રેક્ટોમીટર રીડિંગ નિર્ધારિત ધોરણો કરતા ઓછા હોવાથી તેને સબસ્ટાન્ડર્ડ જાહેર કરવામાં આવ્યો છે. આવી જ રીતે ઉધના-મગદલ્લા રોડ પર આવેલા કેફે ડિઝાયરમાંથી લીધેલ મલાઈ પિસ્તા આઈસ્ક્રીમનો સેમ્પલ પણ દૂધની ચરબીનું પ્રમાણ ઓછું હોવાથી ફેલ થયો છે. તાજેતરમાં પારલે પોઈન્ટ સ્થિત સિદ્ધિ આઈસ્ક્રીમમાંથી લીધેલ કાજુ-કિસમિસ આઈસ્ક્રીમનો સેમ્પલ પણ દૂધની ચરબીના ધોરણમાં નિષ્ફળ રહ્યો હતો.
સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે જણાવ્યું કે શહેરમાં ઘી, પનીર, આઈસ્ક્રીમ અને અન્ય દૂધની બનાવટોનું ઉત્પાદન અને વેચાણ કરતા એકમોમાં નિયમિત તપાસ હાથ ધરવામાં આવે છે. ગત મહિને પણ પાલિકાએ છ એકમોમાંથી લીધેલા સેમ્પલ સબસ્ટાન્ડર્ડ જાહેર કર્યા હતા, જેમાં અક્ષર દેશી ગાય બિલોના ઘી અને સ્થાનિક તબેલામાંથી લીધેલ ભેંસના ઘીમાં બીટા-સિટોસ્ટેરોલ મળી આવ્યું હતું. અધિકારીઓના જણાવ્યા મુજબ ભેળસેળયુક્ત ઘીમાં ઘણીવાર વનસ્પતિ, સ્ટાર્ચ, કૃત્રિમ રંગો કે અન્ય પદાર્થો ઉમેરવામાં આવે છે જે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. ટ્રાન્સ ફેટ ખરાબ કોલેસ્ટ્રોલ વધારે છે અને હૃદયરોગનું જોખમ વધારી શકે છે.
મનપાએ સ્પષ્ટ કર્યું છે કે જે એકમોના સેમ્પલ ફેલ થયા છે તેમની સામે ફૂડ સેફ્ટી એક્ટ હેઠળ કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. દુકાનદારોને તાત્કાલિક અસરથી આ બ્રાન્ડના ઘી અને આઈસ્ક્રીમનો જથ્થો વેચાણમાંથી દૂર કરવા સૂચના આપવામાં આવી છે. ગ્રાહકોને પણ બ્રાન્ડેડ અને ગુણવત્તાયુક્ત ખાદ્ય પદાર્થો જ ખરીદવા અપીલ કરવામાં આવી છે. સુરતમાં તાજેતરમાં 797 કિલો ભેળસેળયુક્ત પનીર, ચીઝ એનાલોગ અને ઘીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો અને 86 એકમોને નોટિસ ફટકારવામાં આવી હતી. મનપા દ્વારા દિવસ અને રાત્રિ દરમિયાન ફૂડ યુનિટની ચકાસણીની કામગીરી સઘન બનાવવામાં આવી છે.
(4:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
