તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 28th May 2026
સિંહોને બચાવવા વન વિભાગનું મેગા અભિયાનઃ વેક્સીનેશન, ટ્રીટમેન્ટ અને ડી-ટિકિંગ પૂરજોશમાં
CDV-બેબેસિયા આઉટબ્રેક બાદ રાજ્ય સરકારની સતર્કતાઃ પશુધનનું ડી-વોર્મિંગ, વાડાઓનું ડિસઇન્ફેક્શન અને પાણીના સ્થળોની આસપાસ ઘાસ બાળવાની કામગીરી શરૂ

અમદાવાદ, તા.૨૮: એશિયાટિક સિંહોના એકમાત્ર ઘર ગીર જંગલમાં કેનાઇન ડિસ્ટેમ્પર વાયરસ અને બેબેસિયોસિસના આઉટબ્રેક બાદ વન વિભાગ દ્વારા સિંહોને બચાવવા માટે મોટા પાયે વેક્સીનેશન, ટ્રીટમેન્ટ અને ડી-ટિકિંગની કામગીરી હાથ ધરવામાં આવી છે.
વન વિભાગના ઉચ્ચ અધિકારીઓના જણાવ્યા મુજબ રોગચાળાને કાબૂમાં લેવા માટે અનેક સ્તરે કામગીરી ચાલી રહી છેઃ અમેરિકાથી ખાસ મંગાવવામાં આવેલી CDVની વેક્સિન સિંહોને આપવામાં આવી રહી છે. એકવાર CDV સંક્રમણમાંથી બચી જતા સિંહોમાં આજીવન રોગપ્રતિકારક શક્તિ વિકસે છે. સિંહોના ખોરાકનો મુખ્યસ્ત્રોત એવા માલધારીઓના પશુધનનું ડી-ર્વોમિંગ કરવામાં આવી રહ્યું છે. સાથે જ ટિક અને માઇટ્સનો નાશ કરવા વાડાઓનું ડિસઇન્ફેક્શન કરવામાં આવી રહ્યું છે.
પાણીના સ્થળોની આસપાસના ઘાસ અને પરાળ બાળી નાખવામાં આવી રહ્યા છે જેથી પરોપજીવીનો નાશ થાય. બેબેસિયોસિસથી ગ્રસ્ત સિંહોને એન્ટિબાયોટિક્સ આપવામાં આવી રહી છે. સામાન્ય રીતે ૫ દિવસની સારવારથી સિંહો સાજા થાય છે. તાજેતરમાં ૬ સિંહોની સફળ સારવાર કરવામાં આવી છે.
હવે વન વિભાગનો અભિગમ સિંહોને રેસ્કયુ સેન્ટર લાવવાને બદલે જંગલમાં જ સારવાર આપવાર્નોં છે, જેથી તેમના કુદરતી વાતાવરણમાં ખલેલ ન પડે. છેલ્લા એક અઠવાડિયાથી બેબેસિયોસિસથી કોઈ મોત નોંધાયું નથી.
જસાધાર એનિમલ કેર સેન્ટરમાં સંક્રમિત સિંહોની સારવાર અને આઉટબ્રેક કાબૂમાં લેવા માટે સ્ટેચ્યુ ઓફ યુનિટીના જંગલ સફારી પાર્કના ડાયરેક્ટર રામ રતન નાલાને ડેપ્યુટેશન પર મોકલવામાં આવ્યા છે.
૨૦૧૮માં CDV અને બેબેસિયોસિસના કારણે ૨૫થી વધુ સિંહોનાં મોત થયા હતા. IUCN દ્વારા લુપ્તપ્રાય જાહેર કરાયેલ એશિયાટિક સિંહોની દુનિયાની એકમાત્ર જંગલી વસ્તી ગીર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગર જિલ્લામાં છે. હાલ ગીરમાં ૬૭૪થી વધુ સિંહો છે.
વન વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે રોગચાળો હવે નિયંત્રણમાં છે, પરંતુ સાવચેતીના તમામ પગલાં લેવામાં આવી રહ્યા છે. સિંહ એ ગુજરાતનું ગૌરવ છે અને તેના સંરક્ષણ માટે કોઈ કસર બાકી રાખવામાં આવશે નહીં.
(3:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
