તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Tuesday, 24th November 2026
વન મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ ગાંધીનગરના ઇન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાનની લીધી સમીક્ષા મુલાકાત : સાયકલ પર ફરીને વન્યજીવ સંરક્ષણની કામગીરીનું કર્યું નિરીક્ષણ
રેસ્ક્યુ કરાયેલા ચોસિંગાના બચ્ચા અને વરુની સારસંભાળની સમીક્ષા કરી, ચાકડા પર માટીના વાસણ બનાવીને પરંપરાગત કળા અને ટકાઉ જીવનશૈલીનો આપ્યો સંદેશ

ગાંધીનગર તા.૨૪ : વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ આજે ગાંધીનગર સ્થિત ગીર ફાઉન્ડેશન તથા ઇન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાનની સમીક્ષા મુલાકાત લીધી હતી.મુલાકાત દરમિયાન મંત્રીશ્રીએ ઇન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાનની વિવિધ સુવિધાઓ અને વન્યજીવ સંરક્ષણની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું, તેમણે ઉદ્યાનમાં સાયકલ સવારી કરીને બોટનિકલ ગાર્ડન, સર્પગૃહ, તૃણાહારી પ્રાણી વિભાગ, પક્ષી વિભાગ તેમજ બિડાલ કુળના પ્રાણીઓના વિભાગની મુલાકાત લીધી હતી.
આ દરમિયાન ઉદ્યાનમાં પ્રાણીઓની જાળવણી, રહેઠાણની વ્યવસ્થા અને મુલાકાતીઓ માટે ઊભી કરવામાં આવેલી સુવિધાઓ અંગે પણ માહિતી મેળવી હતી, ખાસ કરીને તાજેતરમાં રેસ્ક્યુ કરીને લાવવામાં આવેલા ચોસિંગાના બચ્ચા તેમજ વરુની કરવામાં આવી રહેલી સારસંભાળ અને દેખરેખની કામગીરીની તેમણે સમીક્ષા કરી હતી, વન્યજીવોના રેસ્ક્યુ, પુનર્વસન અને સંભાળ માટે કરવામાં આવતી કામગીરી અંગે સંતોષ વ્યક્ત કરી મંત્રીશ્રીએ સંબંધિત અધિકારીઓ અને કર્મચારીઓની કામગીરીને બિરદાવી હતી.
આ મુલાકાત દરમિયાન વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ ગીર ફાઉન્ડેશન દ્વારા યોજવામાં આવતી વિવિધ ઇકો-એક્ટિવિટીઝમાં પણ ઉત્સાહભેર સહભાગી થયા હતા, પર્યાવરણ શિક્ષણ અને સાતત્યપૂર્ણ જીવનશૈલીને પ્રોત્સાહન આપવાના હેતુથી યોજાતી માટીકામની પરંપરાગત કળાની પ્રવૃત્તિમાં તેમણે જાતે ચાકડા પર માટીના વાસણો બનાવીને ભાગ લીધો હતો.
આ માધ્યમથી તેમણે પરંપરાગત કૌશલ્યોને પ્રોત્સાહન આપવા સાથે પ્રકૃતિને અનુકૂળ અને સાતત્યપૂર્ણ જીવનશૈલી અપનાવવાનો પ્રેરણાદાયી સંદેશ આપ્યો હતો, આ ઉપરાંત ગીર ફાઉન્ડેશન દ્વારા કડી યુનિવર્સિટીના નેશનલ સર્વિસ સ્કીમ NSS ના સ્વયંસેવકોના સહયોગથી ઇન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાન ખાતે સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું, મંત્રીશ્રીએ આ અભિયાનમાં સહભાગી થયેલા વિદ્યાર્થીઓના સેવાભાવી અભિગમને બિરદાવ્યો હતો અને સ્વચ્છતા તથા પર્યાવરણ સંરક્ષણના ક્ષેત્રે યુવાનોની સક્રિય ભાગીદારીને આવકારી હતી, સમગ્ર મુલાકાત દરમિયાન મંત્રીશ્રીએ ગીર ફાઉન્ડેશન દ્વારા પર્યાવરણ શિક્ષણ, પ્રકૃતિ સંરક્ષણ, વન્યજીવ સંભાળ અને જનજાગૃતિના ક્ષેત્રે કરવામાં આવતી વિવિધ પ્રવૃત્તિઓની જાણકારી મેળવી હતી.
ઇન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાન ખાતે ઉપલબ્ધ સુવિધાઓ, વ્યવસ્થાપન અને વન્યજીવ સંરક્ષણની કામગીરી અંગે સંતોષ વ્યક્ત કરીને તેમણે ગીર ફાઉન્ડેશનના અધિકારીઓ અને કર્મચારીઓના પ્રયાસોની પ્રશંસા કરી હતી, આ મુલાકાતે પ્રકૃતિ સંરક્ષણ, પર્યાવરણ શિક્ષણ અને જનભાગીદારીના ક્ષેત્રે ગીર ફાઉન્ડેશન દ્વારા હાથ ધરવામાં આવતી પ્રવૃત્તિઓને વધુ વેગ આપવા માટે પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.
આ પ્રસંગે મુખ્ય વન સંરક્ષક અને હેડ ઓફ ધ ફોરેસ્ટ ફોર્સ ડૉ. જયપાલ સિંહ, બી.પી. પતિ, નિયામક, ગીર ફાઉન્ડેશન તથા અમિતકુમાર બી. નાયક, નાયબ નિયામક આર એન્ડ ડી સહિત ગીર ફાઉન્ડેશનના અધિકારીશ્રીઓ દ્વારા મંત્રીશ્રીનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.
(4:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
