<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 14th April 2026

માતર વિધાનસભા બેઠકથી ભાજપના પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ સોલંકી વિધિવત રીતે કોંગ્રેસમાં જોડાયા

કોંગ્રેસના પ્રદેશ કાર્યાલય ખાતે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાના હસ્તે કેસરીએ કેસરીયો છોડી કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો.

ભાજપના પૂર્વ ધારાસભ્ય કોંગ્રેસમાં જોડાતા રાજકીય ગરમાવો આવી ગયો છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલાં રાજ્યના ખેડા જિલ્લામાંથી મોટા રાજકીય સમાચાર સામે આવ્યાં છે. ખેડા જિલ્લાની માતર વિધાનસભા બેઠક પરથી ભાજપના પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ સોલંકી વિધિવત રીતે કોંગ્રેસમાં જોડાયા છે. અમદાવાદ સ્થિત ગુજરાત કોંગ્રેસના પ્રદેશ કાર્યાલય ખાતે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાના હસ્તે કેસરીએ કેસરીયો છોડી કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો.

ઉલ્લેખનીય છેકે, પક્ષ વિરોધી પ્રવૃત્તિ બદલ કેસરીસિંહ સોલંકીની ભાજપમાંથી હકાલપટ્ટી કરવામાં આવી હતી. ખાસ કરીને પૂર્વ કેન્દ્રિય મંત્રી, ખેડા જિલ્લાના સાંસદ અને ભાજપના દિગ્ગજ દેવુંસિંહ ચૌહાણ અને કેસરીસિંહ વચ્ચે ઘણાં સમયથી આંતરિક ગજગ્રાહ ચાલતો હોવાની વાતો અગાઉ ઘણીવાર સામે આવી ચુકી છે. દેવુંસિંહના કારણે જ ભાજપમાંથી કેસરીસિંહને હાંકી કઢાયા હોવાનો આરોપ પણ તેઓ જેતે સમયે લગાવી ચુક્યા છે. કોંગ્રેસમાં જોડાતાની સાથે જ બબ્બે ટર્મથી ભાજપના ધારાસભ્ય રહેલાં કેસરીસિંહે મોટા ખુલાસા કર્યાં છે. 

કોંગ્રેસનો ખેસ પહેરતાની સાથે જ કેસરીસિંહ સોલંકીએ ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા. કેસરીસિંહ સોલંકીએ જણાવ્યું હતુંકે, હું આજે વિધિવત રીતે કોંગ્રેસમાં જોડાયો છું. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મારા વિસ્તારોમાં બધી સીટો કોંગ્રેસને જીતાડવા પ્રયાસ કરીશ. નિષ્ઠા અને પુરી પ્રામાણિકતાથી કોંગ્રેસમાં કામ કરીશ. તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની મારા વિસ્તારની બધી સીટો કોંગ્રેસ જીતે તેના માટે હું મહેનત કરીશ. છ મહિના પહેલાં અમૂલની ચૂંટણી વખતે હું જાહેરમાં બોલતો હતો. ભાજપનો ધારાસભ્ય હતો ત્યારે પણ હું જાહેરમાં બોલતો હતો. ભાજપમાં જે ખોટું થતું હતું તે મને સહન નહોંતુ થતું એટલે હું બોલતો હતો. 

ભાજપના પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ સોલંકીએ વધુમાં જણાવ્યું કે, ભાજપના ખેડા જિલ્લાના પૂર્વ પ્રમુખે જાહેરમાં કબૂલાત કરી હતી કે, હું રાજનીતિમાં આવીને ભાજપમાં આવીને પૈસા કમાયો છું. ત્યારે પણ મેં કહેલું કે, અમૂલના નામે ગોટાળા ચાલે છે. પશુપાલકોના લોહીના પૈસા નેતાઓ ખાઈ જાય છે. કોંગ્રેસ જે જવાબદારી આપશે એ હું નિભાવીશ. રાજ્ય સભા વખતે પણ હું મતદાન કરવા ગયો હતો. પરંતુ ભાજપને મારા પર શંકા હતી. મારા બે ટર્મના ધારાસભ્ય તરીકેના અનુભવથી હું કહી શકું છુંકે, ભાજપ કોઈને કોઈ રીતે કોંગ્રેસના ઉમેદવારોને ધમકાવે છે.

 

(8:09 PM IST)