તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 27th September 2026
MSUના પૂર્વ ઇન્ચાર્જ VC સાયબર ફ્રોડનો શિકાર: લગ્નની ડિજિટલ કંકોત્રીના નામે વોટ્સએપ હેક
APK ફાઈલ મોકલી જાણીતા અગ્રણીનું એકાઉન્ટ હેક કરીને પરિચિતોને મોકલાઈ રહ્યા છે શંકાસ્પદ મેસેજ, પોલીસની વિશેષ ચેતવણી

વડોદરા : મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના પૂર્વ ઇન્ચાર્જ વાઇસ ચાન્સેલર અને જાણીતા અગ્રણી પ્રો. ડૉ. ધનેશ પટેલ સાયબર ફ્રોડનો ભોગ બન્યા છે. સાયબર ઠગોએ લગ્નની 'ડિજિટલ કંકોત્રી'ના નામે APK ફાઈલ મોકલીને તેમનું વોટ્સએપ એકાઉન્ટ હેક કરી લીધું છે, જેના દ્વારા હવે તેમના તમામ સંપર્કો અને પરિચિતોને છેતરપિંડી આચરતા મેસેજ અને શંકાસ્પદ ફાઈલો મોકલવામાં આવી રહી છે.
આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર, ડૉ. ધનેશ પટેલના વોટ્સએપ એકાઉન્ટ પરથી મળેલા આ મેસેજ સાથે જોડાયેલી ફાઈલ .apk ફોર્મેટમાં છે. જ્યારે કોઈ યુઝર લગ્નની આ કંકોત્રી જોવા માટે ફાઈલ પર ક્લિક કે ડાઉનલોડ કરે છે, ત્યારે ફોનની સિક્યુરિટી સિસ્ટમ એલર્ટ કરે છે, કારણ કે આ ફાઈલ કોઈ ઈન્વિટેશન કાર્ડ નહીં પરંતુ માલવેર કે વાયરસ છે જે મોબાઈલનો ડેટા હેકર્સના હાથમાં સોંપી દે છે.
ઘટનાની જાણ થતાં જ ડૉ. ધનેશ પટેલે તેમના મિત્રો અને સહકર્મીઓને સાવચેત રહેવા અપીલ કરી છે કે પ્રો. ધનેશ પટેલના નામથી મળેલા કોઈ પણ મેસેજ, લિંક કે ખાસ કરીને .apk ફાઈલને ખોલવી કે ડાઉનલોડ કરવી નહીં. હેકિંગના કારણે તેમનો ફોન સતત વ્યસ્ત આવી રહ્યો છે અને સાયબર ક્રાઈમ શાખાએ પણ આ મામલે ગંભીરતા દાખવતા નાગરિકો માટે જાહેર ચેતવણી જારી કરી છે.
સાયબર નિષ્ણાતો અને પોલીસે સ્પષ્ટ કર્યું છે કે ડિજિટલ યુગમાં આમંત્રણો હંમેશા PDF અથવા ઇમેજ ફોર્મેટમાં જ આવે છે, તેથી સોશિયલ મીડિયા પરથી મળતી અજાણી .apk ફાઈલ ડાઉનલોડ કરવી નહીં. ભવિષ્યમાં આવી ઘટનાઓ અટકાવવા માટે સાયબર સુરક્ષા એજન્સીઓ દ્વારા આ મામલે ટેકનિકલ તપાસ હાથ ધરવામાં આવી છે અને યુઝર્સને વધુ સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે.
(12:29 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
