તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 1st July 2026
સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલની જામીન અરજી રદ : મોબાઈલમાં ૮૦૦ ફોટા મળ્યા
ED ની દલીલઃ CLU કૌભાંડમાં ૭.૧૪ કરોડની લાંચ, કલેક્ટરનો ૫૦% હિસ્સો ૩ કરોડથી વધુ, લાંચના વહીવટ પર સીધી નજર રાખતા હતા,પૂરાવાનો નાશ કરવાનો પ્રયાસ કર્યો

(ફઝલ ચોહાણ દ્વારા) વઢવાણ, તા.૧:ગુજરાત હાઇકોર્ટે ED દ્વારા દાખલ PMLA કેસમાં સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલની જામીન અરજી નકારી કાઢી છે. રાજેન્દ્ર પટેલના વકીલ અને ED દ્વારા કોર્ટમાં વિસ્તળત દલીલો રજૂ કરવામાં આવી હતી.
ED ની દલીલ મુજબ, સુરેન્દ્રનગર કલેક્ટર કચેરીમાં ખેતીની જમીનને બિન-ખેતીમાં ફેરવવા માટે લાંચનું એક નિヘતિ માળખું ગોઠવાયું હતું. આ ગેરકાયદેસર વહીવટમાં કુલ રકમનો ૫૦% હિસ્સો કલેક્ટરને, ૨૫% નિવાસી અધિક કલેક્ટરને અને બાકીનો હિસ્સો અન્ય સ્ટાફને મળતો હતો. રાજેન્દ્ર પટેલના કાર્યકાળ દરમિયાન ૫૦૧ CLU અરજીઓ પ્રક્રિયા હેઠળ લાવવામાં આવી હતી. તેમાં કુલ ગુનાની કમાણી ૭.૧૪ કરોડ આંકવામાં આવી છે, જેમાંથી કલેક્ટરનો ૫૦% હિસ્સો આશરે ૩ કરોડથી વધુ થાય છે.
ED એ કોર્ટને જણાવ્યું કે આરોપીના પર્સનલ મોબાઈલમાંથી CLU ફાઈલોના ૮૦૦ જેટલા ફોટા મળી આવ્યા છે. આ ફોટા દ્વારા તેઓ લાંચના વહીવટ પર સીધી નજર રાખતા હતા. એટલું જ નહીં, EDના દરોડાના આગલા જ દિવસે કાયદાકીય સકંજામાંથી બચવા અને પુરાવાનો નાશ કરવા માટે તેમણે ગૂગલ પર “how to reset Samsung S24 Ultra” સર્ચ પણ કર્યું હતું, જે તેમનું શંકાસ્પદ વર્તન દર્શાવે છે.
બીજી તરફ રાજેન્દ્ર પટેલના વકીલે દલીલ કરી કે તેમને ખોટી રીતે સંડોવી દેવામાં આવ્યા છે. કોઈ ખેડૂત કે ભોગ બનનારનું નિવેદન લેવાયું નથી. મુખ્ય ગુનામાં હજુ ચાર્જશીટ દાખલ થઈ નથી અને અન્ય સહ-આરોપીઓની ધરપકડ પણ થઈ નથી. તબિયત સારી ન હોવાના આધારે પણ જામીનની વિનંતી કરવામાં આવી હતી.
હાઈકોર્ટે નોંધ્યું કે અરજદાર સામે PMLAની કલમ ૪૫ હેઠળની બેવડી શરતો સંતોષાતી નથી. પ્રથમ દ્રષ્ટિએ અરજદાર નિર્દોષ હોય તેવું માનવાને કોઈ વ્યાજબી કારણ નથી. ભ્રષ્ટાચાર અને આર્થિક ગુનાઓ દેશના અર્થતંત્રને નુકસાન પહોંચાડે છે. અરજદારે વહીવટી વડા તરીકે પ્રામાણિકતાથી કામ કરવાને બદલે ભ્રષ્ટાચારને પ્રોત્સાહન આપ્યું હતું. પુરાવાનો નાશ કરવાનો પ્રયાસ અને સાક્ષીઓને પ્રભાવિત કરવાની સંભાવના નકારી શકાય નહીં. તબીબી સ્થિતિ જીવલેણ નથી અને જેલમાં સારવાર થઈ શકે છે. આ તમામ મુદ્દાઓ ધ્યાને લઈ કોર્ટે જામીન અરજી નકારી કાઢી હતી. આ મામલે એન્ટી કરપ્શન બ્યુરો સુરેન્દ્રનગર ખાતે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ પણ ગુનો નોંધાયો છે.
(10:53 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
