<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 9th May 2026

અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં મુખ્ય આરોપી કાર્તિક પટેલ સહીતના ચાર આરોપીઓની 'ડિસ્ચાર્જ અરજી' ને ગ્રામ્ય કોર્ટે ફગાવી

કાર્તિક પટેલ, રાજશ્રી કોઠારી, સંજય પટોડિયા અને રાહુલ જૈન કરી હતી ડિસ્ચાર્જ અરજી: ગ્રામ્ય કોર્ટે અરજી ફગાવી 15મી મે રોજ ચાર્જફ્રેમ કરવા કર્યો હુકમ

અમદાવાદની બહુચર્ચિત ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં આરોપીઓ સામે કાયદાનો સકંજો વધુ મજબૂત બન્યો છે. આ કેસમાં મુખ્ય આરોપી કાર્તિક પટેલ સહિતના ચાર આરોપીઓ દ્વારા કરવામાં આવેલી 'ડિસ્ચાર્જ અરજી' ને અમદાવાદ ગ્રામ્ય કોર્ટે ફગાવી દીધી છે. કોર્ટના આ નિર્ણય બાદ હવે તમામ આરોપીઓ સામે વિધિવત રીતે કેસ ચલાવવાનો માર્ગ મોકળો થયો છે.

મળતી માહિતી મુજબ, ખ્યાતિ હોસ્પિટલના સંચાલકો કાર્તિક પટેલ, રાજશ્રી કોઠારી, સંજય પટોડિયા અને રાહુલ જૈને કોર્ટમાં અરજી કરીને પોતાને આ કેસમાંથી ડિસ્ચાર્જ કરવા માંગ કરી હતી. જોકે, સરકારી વકીલની દલીલો અને પોલીસ તપાસમાં રજૂ થયેલા પુરાવાઓને ધ્યાને રાખીને અમદાવાદ ગ્રામ્ય કોર્ટે આ તમામ આરોપીઓની અરજીઓને નામંજૂર કરી દીધી છે.

કોર્ટે આ મામલે કડક વલણ અપનાવતા આગામી 15મી મે ના રોજ તમામ આરોપીઓ સામે ચાર્જફ્રેમ (આરોપનામું નક્કી કરવું) કરવા માટેનો હુકમ કર્યો છે. ચાર્જફ્રેમ થયા બાદ આ કેસની ટ્રાયલ પૂર્ણ ગતિએ શરૂ થશે, જેનાથી પીડિત પરિવારોને ન્યાય મળવાની આશા પ્રબળ બની છે.

 અત્રે ઉલ્લેખનીય છે કે, ખ્યાતિ હોસ્પિટલ દ્વારા આરોગ્ય શિબિરના બહાને દર્દીઓને બોલાવી, મંજૂરી વિના કે ખોટી રીતે ઓપરેશન કરીને સરકારી યોજનાઓના નાણાં મેળવવાના અને બેદરકારીના ગંભીર આક્ષેપો થયા હતા. આ કાંડમાં દર્દીઓના મોતના મામલે રાજ્યભરમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને ત્યારબાદ પોલીસે હોસ્પિટલના સંચાલકો સામે ગુનો દાખલ કર્યો હતો.

(1:00 PM IST)