તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 6th September 2026
દમણમાં પ્રશાસનની સ્પષ્ટ મનાઈ છતાં તોફાની અને જોખમી દરિયામાં નાહવા પડેલા ચાર પર્યટકો ડૂબવા લાગ્યા, લાઈફગાર્ડ્સની સતર્કતા અને સાહસિક રેસ્ક્યુ ઓપરેશનના કારણે ટળી મોટી દુર્ઘટના
ચોમાસાની સિઝનમાં દરિયામાં ન જવાની વહીવટી ચેતવણીને નજરઅંદાજ કરી છપલી શેરી વિસ્તારમાં ઉતરેલા ચાર યુવાનો ઊંડા પાણીમાં ફસાઈ ગયા હતા, જેમને સમયસર બચાવી લેવાયા હતા.

દમણ : દમણમાં પ્રશાસન દ્વારા ચોમાસા દરમિયાન દરિયામાં ન જવાની અને નાહવા પર સ્પષ્ટ પ્રતિબંધ હોવા છતાં નિયમોનું ઉલ્લંઘન કરનારા ચાર પર્યટકો માટે દરિયો જીવલેણ સાબિત થવા જઈ રહ્યો હતો. તોફાની દરિયામાં નાહવા પડેલા ચારેય પર્યટકો ઊંડા પાણીમાં ફસાઈને ડૂબવા લાગ્યા હતા, પરંતુ લાઈફગાર્ડ્સની ભારે સતર્કતા અને સમયસરની બચાવ કામગીરીને કારણે તમામનો આબાદ બચાવ થયો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, શુક્રવારે સાંજે દમણના છપલી શેરી વિસ્તારમાં ચાર યુવાનો પ્રશાસનના આદેશોની પરવા કર્યા વગર દરિયામાં નાહવા માટે ઉતર્યા હતા. થોડો સમય વીત્યા બાદ દરિયામાં રહેલા ભારે કરંટ અને ઊંચા મોજાંઓના કારણે આ ચારેય યુવાનો મુશ્કેલીમાં મુકાયા હતા અને ધીમે-ધીમે ઊંડા પાણી તરફ ખેંચાવા લાગ્યા હતા. દરિયાના રોદ્ર સ્વરૂપને કારણે પરિસ્થિતિ અત્યંત ગંભીર બની ગઈ હતી, જેને જોઈને કિનારે હાજર લોકોમાં પણ ફફડાટ વ્યાપી ગયો હતો અને ભારે ચિંતા ફેલાઈ હતી.
આ ગંભીર પરિસ્થિતિમાં ફરજ પર હાજર રહેલા સતર્ક લાઈફગાર્ડ જતિન માંગેલા અને તેમની સક્ષમ ટીમે ક્ષણનો પણ વિલંબ કર્યા વગર ત્વરિત નિર્ણય લઈને દરિયામાં છલાંગ લગાવી દીધી હતી. લાઈફગાર્ડની ટીમે તોફાની મોજાં અને પાણીના ભારે પ્રવાહ વચ્ચે અદ્ભુત સાહસ દાખવીને બચાવ કામગીરી હાથ ધરી હતી. ભારે જહેમત અને સંઘર્ષ બાદ આ ટીમે ચારેય પર્યટકોને હેમખેમ અને સુરક્ષિત રીતે દરિયાકિનારે બહાર કાઢી લીધા હતા. સમયસર થયેલી આ કાર્યવાહીના કારણે એક મોટી જાનહાનિ ટળી હતી.
આ સમગ્ર રોમાંચક રેસ્ક્યૂ ઓપરેશનનો વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે, જેમાં લાઈફગાર્ડ્સ જીવના જોખમે પર્યટકોને બચાવવા માટે પાણીમાં જઝૂમતા નજરે પડે છે. ચોમાસા દરમિયાન દમણના દરિયામાં ઊંચા મોજાં અને તેજ કરંટ અવારનવાર જોખમી સાબિત થતા હોય છે, જેને ધ્યાનમાં રાખી પ્રશાસને પર્યટકોની સુરક્ષા માટે દરિયામાં ઉતરવા પર પ્રતિબંધ મૂક્યો છે. તેમ છતાં કેટલાક પ્રવાસીઓ બેદરકારી દાખવીને જોખમ મોઢે ધકેલાય છે. અગાઉ પણ દમણમાં આવી ત્રણથી ચાર ઘટનાઓ બની ચૂકી છે, જેમાં સદનસીબે જાનહાની ટળી હતી. પ્રશાસને પર્યટકોને કડક સૂચના આપી છે કે તેઓ ચેતવણીને ગંભીરતાથી લે અને પ્રતિબંધિત વિસ્તારોમાં જવાનું ટાળે.
(11:21 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
