<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 26th October 2026

અમદાવાદના સોલા એસટીપી પ્લાન્ટમાં વેલ્ડિંગ કામ દરમિયાન દુર્ઘટના :ડ્રેનેજ ગેસની અસરથી બે કર્મચારીઓના મોત: બે ગંભીર

મનોહર નામના સાઇડ ઇન્ચાર્જ અને અભિષેક નામના વેલ્ડિંગ વર્કરનું કરૂણમોત :રૂપેશ અને નિલેશ નામના બે કર્મચારીઓ હાલ સારવાર હેઠળ

અમદાવાદ: સોલા STP પ્લાન્ટમાં વેલ્ડિંગની કામગીરી દરમિયાન ગંભીર દુર્ઘટના સર્જાતા બે કર્મચારીઓના મોત થયા છે, જ્યારે અન્ય બે કર્મચારીઓને સારવાર માટે સોલા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. પ્રાથમિક માહિતી મુજબ HNB એજન્સીના ચાર કર્મચારીઓ પ્લાન્ટમાં વેલ્ડિંગનું કામ કરી રહ્યા હતા ત્યારે ડ્રેનેજના ગેસની અસરથી તેઓ બેભાન થઈ ગયા હતા. બેભાન થયેલા ચારેય કર્મચારીઓને તાત્કાલિક સોલા સિવિલ હોસ્પિટલ લઈ જવાયા હતા. જ્યાં મનોહર નામના સાઇડ ઇન્ચાર્જ અને અભિષેક નામના વેલ્ડિંગ વર્કરને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. જ્યારે રૂપેશ અને નિલેશ નામના બે કર્મચારીઓ હાલ સારવાર હેઠળ છે.

ઘટનાની જાણ થતાં AMC મેયર હિતેશ બારોટ અને ધારાસભ્ય અમિત શાહ સાથે સિટી ઈજનેર વિજય પટેલે બનાવ સ્થળની મુલાકાત લીધી હતી. મીડિયા સાથે વાતચીતમાં સિટી ઈજનેર વિજય પટેલે જણાવ્યું હતું કે પ્રાથમિક રીતે ડ્રેનેજના ગેસના કારણે કર્મચારીઓ બેભાન થયા હોવાનું લાગી રહ્યું છે. સેફ્ટી અંગે કોઈ વાંધાજનક બાબત જણાશે તો જવાબદારો સામે કાર્યવાહી કરવામાં આવશે.

વિજય પટેલે વધુમાં જણાવ્યું હતું કે STP પ્લાન્ટમાં સામાન્ય કામગીરી ચાલતી હોય ત્યારે AMCના અધિકારીઓ સ્થળ પર હાજર રહેતા નથી. હાલ મળેલી માહિતી મુજબ ચાર પૈકી બે કર્મચારીઓનો બચાવ થયો છે. બીજી તરફ, કર્મચારીઓને જરૂરી સેફ્ટી પ્રિકોશન વિના કામગીરી માટે ઉતારવામાં આવ્યા હોવાનો આરોપ પણ સામે આવ્યો છે. સમગ્ર મામલે કોર્પોરેશન દ્વારા કોન્ટ્રાક્ટરને નોટિસ આપવામાં આવશે. ઘટનામાં બેદરકારી થઈ છે કે કેમ તે અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

(9:54 PM IST)