<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 7th September 2026

ગાડીનું બાકી ઈ-ચલણ ભરવાના બહાને ઠગોએ લિંક મોકલી ૫.૬૭ લાખનું ફ્રોડ કર્યું

વૃદ્ધે લિંક પર ક્લિક કરતાં જ તેમના મોબાઈલમાં mParivahan.apk નામની ફાઇલ ડાઉનલોડ થઈ ગઈ હતી

અમદાવાદ: અમદાવાદના મકરબામાં રહેતા  ફ્રૂટના વૃદ્ધ વેપારી સાથે ઈ-ચલણ ભરવાના બહાને રૂ. 5.67 લાખનું સાયબર ફ્રોડ થયું છે. વૃદ્ધના મોબાઈલ પર તેમની ક્રેટા ગાડીનું બાકી ટ્રાફિક ચલણ ભરવા અંગેનો મેસેજ આવ્યો હતો. મેસેજમાં આપેલી લિંક પર ક્લિક કરતાં તેમના મોબાઈલમાં mParivahan.apk નામની ફાઇલ ડાઉનલોડ થઈ હતી. ત્યારબાદ તેમનો મોબાઈલ હેક કરી સાયબર ગઠિયાઓએ બેંક ખાતામાંથી IMPS મારફતે કુલ રૂ. 5.67 અલગ-અલગ ખાતામાં ટ્રાન્સફર કરી લીધા હતા. જે અંગે તેમણે સાયબર ક્રાઇમ બ્રાંચમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે વધુ તપાસ આદરી છે.મળતી માહિતી મુજબ, મકરબામાં રહેતા વૃદ્ધ ફ્રૂટ માર્કેટમાં વેપાર કરે છે. ગત 22 ઓગસ્ટે તેમના મોબાઈલ નંબર પર અજાણ્યા નંબર પરથી એક ટેક્સ્ટ મેસેજ આવ્યો હતો. આ મેસેજમાં તેમની ક્રેટા ગાડીનું બાકી ચલણ ભરવાનું જણાવવામાં આવ્યું હતું અને સાથે એક લિંક આપવામાં આવી હતી. વૃદ્ધે લિંક પર ક્લિક કરતાં જ તેમના મોબાઈલમાં mParivahan.apk નામની ફાઇલ ડાઉનલોડ થઈ ગઈ હતી. તેમણે ફાઇલને તરત જ બંધ કરી દીધી હતી.જોકે, ત્યારબાદ સાયબર ગઠિયાઓએ તકનો લાભ લઈ વૃદ્ધના મોબાઈલ અને બેંકિંગ વ્યવહારો પર કબજો મેળવી લીધો હતો. 2 સપ્ટેમ્બરની સવારે વૃદ્ધે તેમના મોબાઈલમાં રૂપિયા કપાઈ ગયાના મેસેજ જોયા હતા. જેથી તેમણે પોતાની દુકાને જઈ ભાઈ વિશાલને સમગ્ર ઘટનાની જાણ કરી હતી. બંને ભાઈઓ બેંકમાં પહોંચ્યા અને ખાતાની તપાસ કરાવતા તેમના ખાતામાંથી મોટી રકમ ઉપડી ગઈ હોવાનું સામે આવ્યું હતું.બેંક તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે સાયબર ગઠિયાઓએ વૃદ્ધના સેવિંગ્સ ખાતામાંથી IMPS મારફતે કુલ રૂ. 5.67 લાખની રકમ અલગ-અલગ બેંકના ખાતાઓમાં ટ્રાન્સફર કરી હતી. આ અંગે વૃદ્ધે તાત્કાલિક 1930 સાયબર ક્રાઇમ હેલ્પલાઇન પર સંપર્ક કર્યાે હતો. ત્યારબાદ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. અત્રે ખાસ ઉલ્લેખનીય છે કે સાયબર ગઠિયા વૃદ્ધોને ટાર્ગેટ કરી તેમની પાસેથી પૈસા પડાવી રહ્યા છે. તંત્ર દ્વારા લોકોને જાગૃત કરવાના પ્રયાસ થઇ રહ્યા છે. તેમ છતાં લોકો જાગૃત નહીં થતાં છેતરાઇ રહ્યા છે.

(12:38 PM IST)