તા. ૫ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૩ શુક્રવાર
News of Wednesday, 13th May 2026
ઇંધણની કટોકટીઃ અમદાવાદની અનેક IT કંપનીમાં વર્ક ફ્રોમ હોમ
શાળાઓમાં વેકેશન હોવાથી ઓનલાઈનનો પ્રશ્ન નથી : અનેક કંપનીઓએ ઘરેથી કામ કરતા કર્મચારીઓનું પ્રમાણ વધારીને ૫૦ ટકા સુધી કર્યું ઇંધણ-વીજળીની બચત થશે

અમદાવાદ તા.૧૩: કોરોના લોકડાઉન બાદ બે વર્ષથી સ્થિતિ માંડ માંડ થાળે પડી રહી હતી. તેવામાં હવે મધ્ય-પૂર્વ એશિયામાં યુદ્ધની સ્થિતિના કારણે ઈધણની કટોકટીના એંધાણ વર્તાઈ રહ્યા છે. જેના પગલે વડાપ્રધાને કરેલી અપીલ બાદ અમદાવાદમાં આઈટી કંપનીઓ દ્વારા વર્ક ફ્રોમ હોમની શરૂઆત કરી દેવામાં આવી છે. અલબત, બધા જ કર્મચારીઓ માટે નહીં, પરંતુ ઘણી કંપનીઓ દ્વારા આ પ્રમાણ વધારીને ૫૦ ટકા સુધી લઈ જવામાં આવ્યું છે.
છેલ્લા બે-ત્રણ દિવસથી વડાપ્રધાન ઈંધણ કટોકટી તરફ ઈશારો કરીને વર્ક ફ્રોમ હોમ અને શાળાઓમાં ઓનલાઈન ક્લાસ જેવા વિકલ્પો અપનાવવા લોકોને અપીલ કરી રહ્યા છે. ત્યારે અમદાવાદની કેટલીક આઈટી કંપનીઓ દ્વારા વર્ક ફ્રોમ હોમ કરતા કર્મચારીઓનું પ્રમાણ વધારીને ૫૦ ટકા સુધી લઈ જવામાં આવ્યું છે. કોરોના બાદ હજી સુધી ઘણી આઈટી કંપનીઓ કર્મચારીઓ પાસે વર્ક ફ્રોમ હોમ કરાવતી હતી. પરંતુ તેનું પ્રમાણ ઘણું ઓછુ હતું. જેમાં હવે આઈટી કંપનીઓ વધારો કરવા માંડી છે. કંપનીઓના સંચાલકોના જણાવ્યા અનુસાર વર્ક ફ્રોમ હોમના આ પગલાંના કારણે કામગીરી પણ ચાલતી રહેશે અને ઈધણ તથા વીજળીની બચત પણ થશે. આઈટી ક્ષેત્રના કર્મચારીઓમાં પણ આજે આખો દિવસ આ બાબતની જ ચર્ચા ચાલી હતી. બીજી તરફ શાળાઓમાં અત્યારે વેકેશન ચાલી રહ્યું છે. માટે વિદ્યાર્થીઓને રજા છે. એટલે ઓનલાઈન ક્લાસ ચલાવવાનો કોઈ પ્રશ્ન જ નથી. શાળાઓમાં હાલ ફક્ત શૈક્ષણિક અને વહીવટી સ્ટાફની અવર-જવર જ હોય છે.
(9:57 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
