<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 21st June 2026

અમદાવાદના દરિયાપુરમાં બંધ મકાનમાં ધમધમતા જુગારધામ પર દરોડા: 10 જુગારીઓ ઝડપાયા :2 .90 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત

પોપટીવાડમાં આવેલા કામિલ ચોકની સામેના એક બંધ મકાનમાં લાંબા સમયથી જુગારનો અડ્ડો હોવાની બાતમીના આધારે PCB પોલીસએ દરોડો પાડ્યો

અમદાવાદમાં ગુનાખોરી ડામવા માટે પોલીસ સતત કાર્યરત છે, ત્યારે દરિયાપુર વિસ્તારમાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. શહેરના પોપટીવાડમાં આવેલા કામિલ ચોકની સામેના એક બંધ મકાનમાં લાંબા સમયથી જુગારનો અડ્ડો ધમધમી રહ્યો હોવાની બાતમી PCB પોલીસને મળી હતી. 

આ બાતમીના આધારે પોલીસે દરોડો પાડીને જુગાર રમતા 10  ઈસમોને રંગે હાથે ઝડપી પાડ્યા છે. પોલીસની આ કાર્યવાહીથી બુકીઓ અને જુગારીઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે. આરોપીઓએ પોલીસની નજરથી બચવા માટે મુખ્ય રસ્તાઓથી દૂર એક બંધ મકાનને પસંદ કર્યું હતું અને ત્યાં છુપાઈને જુગારનો ખેલ ખેલતા હતા.

દરોડા દરમિયાન પોલીસે સ્થળ પરથી 50  હજાર રૂપિયાની રોકડ રકમ, 10 મોબાઈલ ફોન, એક રિક્ષા અને એક બાઈક સહિત કુલ 2.90 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ઝડપાયેલા તમામ 10 જુગારીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને વધુ તપાસ દરિયાપુર પોલીસને સોંપવામાં આવી છે.

(8:09 PM IST)