તા. ૮ ઓગસ્ટ ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ શ્રાવણ સુદ – ૧૪ શુક્રવાર
News of Monday, 1st June 2026
ગાંધીનગર વિદ્યુત નિરીક્ષણ કચેરીના લાંચિયા અધિકારી એ.બી.ચૌધરીના ગાંધીનગર અને સુરત સ્થિત રહેણાંક મકાનો તેમજ કારમાં સર્ચ ઓપરેશન
મકાનો અને કારમાંથી રૂપિયા 1 કરોડ 76 લાખની રોકડ રકમ જપ્ત:રૂપિયા 88 લાખની કિંમતના સોના-ચાંદીના દાગીના અને લગડી પણ જપ્ત કરાયા:સર્ચ ઓપરેશન દરમિયાન કુલ રૂપિયા 2 કરોડ 64 લાખથી વધુની બેનામી મત્તા જપ્ત

ગાંધીનગર વિદ્યુત નિરીક્ષણ કચેરીના ક્લાસ વન અધિકારી ‘એ.બી. ચૌધરી’ની એસીબી (ACB) દ્વારા ધરપકડ કરવામાં આવી છે. લાંચિયા અધિકારીના ગાંધીનગર અને સુરત સ્થિત રહેણાંક મકાનો તેમજ કારમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, જે દરમિયાન કરોડોની રોકડ અને દાગીના મળી આવ્યા છે.
તપાસ દરમિયાન અધિકારીના મકાનો અને કારમાંથી રૂપિયા 1 કરોડ 76 લાખની રોકડ રકમ જપ્ત કરવામાં આવી છે. આ ઉપરાંત, રૂપિયા 88 લાખની કિંમતના સોના-ચાંદીના દાગીના અને લગડી પણ જપ્ત કરાયા છે. આમ જોવા જઈએ તો, સર્ચ ઓપરેશન દરમિયાન કુલ રૂપિયા 2 કરોડ 64 લાખથી વધુની બેનામી મત્તા જપ્ત કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, આ અધિકારીએ સોલાર પેનલની એનઓસી (NOC) આપવાના મામલે લાંચ માગી હોવાની ફરિયાદ નોંધાઈ હતી, જેના આધારે આ કાર્યવાહી કરવામાં આવી છે.
મહત્વનું છે કે, ફરિયાદને આધારે ACBએ લાંચિયા અધિકારીની કારમાં સર્ચ કરતા સૌ પ્રથમ અધિકારીની કારમાંથી પાંચ લાખ રોકડા મળ્યા હતા. જો કે, ત્યારબાદ ગાંધીનગર અને સુરતના ઘરમાંથી મોટી માત્રામાં રોકડ અને દાગીના મળી આવ્યા. એ.બી. ચૌધરી મૂળ સુરતનો વતની છે અને હવે 8 મહિનાની નોકરી બાકી છે.
ચારેક વર્ષથી ગાંધીનગરમાં વિદ્યુત નિરીક્ષણ કચેરીમાં કામ કરતો એ.બી. ચૌધરી સોલાર સિસ્ટમની મંજૂરી આપવા માટે લાંચ માંગતો. ટૂંકમાં, અરજદાર પાસેથી ફાઈલ ક્લિયર કરાવવા તે લાખો રૂપિયા વસૂલતો હતો. જો કે, આ લાંચિયા અધિકારીની સાથે બીજા કોની કોની સંડોવણી છે, તેની ACB તપાસ કરી રહી છે.
(6:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
