News of Saturday, 26th September 2026
ગાંધીનગર મનપા ચૂંટણીનો જંગ બરાબરનો જામ્યો: ઉમેદવારી ફોર્મ ભરવાની મુદત પૂરી થતાં કુલ 203 ફોર્મ ભરાયા, 11 ઓક્ટોબરે યોજાશે મતદાન!
ઉમેદવારો તૂટવાના અને ખરીદ-વેચાણના ડરથી કોંગ્રેસે પોતાના તમામ ઉમેદવારોનેMLA હાઉસથી ગુપ્ત સ્થળે ખસેડ્યા; વોર્ડ નંબર 4 માં સૌથી વધુ 25 ફોર્મ ભરાતા હોટ સીટ બની

ગાંધીનગર : ગાંધીનગર મહાનગરપાલિકાની આગામી ચૂંટણીને લઈને પાટનગરમાં રાજકીય ગરમાવો અને ધમાસાણ ચરમસીમાએ પહોંચી ગયો છે. ઉમેદવારી પત્રકો ભરવાના અંતિમ દિવસે વિવિધ રાજકીય પક્ષો અને અપક્ષ ઉમેદવારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. મુદત પૂરી થતાં સુધીમાં ચૂંટણી જંગ માટે કુલ 203 ઉમેદવારી ફોર્મ રજૂ કરવામાં આવ્યા છે. આ સાથે જ તમામ રાજકીય પક્ષોએ પોતપોતાની જીત સુનિશ્ચિત કરવા માટે જોરશોરથી રણનીતિ ઘડવાનું શરૂ કરી દીધું છે.
ચૂંટણી પંચમાં નોંધાયેલા આંકડા અનુસાર, ભારતીય જનતા પાર્ટી (BJP) દ્વારા સૌથી વધુ 85 ફોર્મ ભરાયા છે, જ્યારે કોંગ્રેસે 54 અને આમ આદમી પાર્ટી (AAP) એ 42 ફોર્મ દાખલ કર્યા છે. અન્ય અને અપક્ષ ઉમેદવારો મળીને કુલ 22 ફોર્મ ભરાયા છે. ભાજપે રણનીતિના ભાગરૂપે કોઈ પણ ઈમરજન્સી સ્થિતિને પહોંચી વળવા તમામ વોર્ડમાં ડમી ઉમેદવારો રાખ્યા છે. તમામ વોર્ડમાં રાજકીય સમીકરણો ગરમાયા છે, પરંતુ વોર્ડ નંબર 4 માં સૌથી વધુ 25 ઉમેદવારી પત્રકો ભરાતાં તે સમગ્ર ચૂંટણીનો સૌથી 'હોટ સ્પોટ' વોર્ડ બની ગયો છે. 16 જેટલા અપક્ષ ઉમેદવારો પણ મેદાનમાં ઉતરતા બહુભાખી જંગ ખેલાવાના એંધાણ છે.
દરમિયાન, ચૂંટણીનો માહોલ જામતાની સાથે જ કોંગ્રેસ છાવણીમાં ઉમેદવારો તૂટી જવા કે ફોર્મ પાછા ખેંચાઈ જવાનો મોટો ડર વ્યાપી ગયો છે. ભાજપના સંભવિત દબાણ અને ખરીદ-વેચાણની આશંકાથી બચવા માટે કોંગ્રેસે પોતાના ઉમેદવારોને સુરક્ષિત સ્થળે ખસેડવાની અનોખી રણનીતિ અપનાવી છે. ગાંધીનગર સ્થિત MLA હાઉસથી કોંગ્રેસના ઉમેદવારોને ગુપ્ત સ્થળે લઈ જવામાં આવ્યા છે. કોંગ્રેસ નેતા લલિત કગથરાએ ખુલ્લેઆમ આરોપ લગાવ્યો હતો કે ભાજપના દબાણ અને માનસિક ત્રાસથી બચાવવા આ પગલું ભરવામાં આવ્યું છે અને ફોર્મ પરત ખેંચવાની મુદત પૂરી થાય ત્યાં સુધી ઉમેદવારો અજ્ઞાત સ્થળે જ રહેશે.
ચૂંટણી કાર્યક્રમ મુજબ, ભરાયેલા ફોર્મની ચકાસણી બાદ ઉમેદવારી પત્રકો પાછા ખેંચવાની અંતિમ સમયમર્યાદા બાદ 29 સપ્ટેમ્બરે ચૂંટણીનું આખરી ચિત્ર સ્પષ્ટ થશે. ગાંધીનગર મહાનગરપાલિકા માટે આગામી 11 ઓક્ટોબરે મતદાન યોજાશે અને 13 ઓક્ટોબરના રોજ મતોની ગણતરી કરીને પરિણામો જાહેર કરવામાં આવશે.
(10:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
