તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 19th September 2026
ગાંધીનગર મનપા ચૂંટણીનું બ્યુગલ વાગ્યું: AAP એ ૨૩ ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર, ટ્રાન્સજેન્ડર સમુદાયને આપ્યું રાજકીય પ્રતિનિધિત્વ!
વોર્ડ નં. ૧૦ માંથી પારેખ જય શૈલેષભાઈ (એન્જલ માસી)ને આપી ટિકિટ: ૧૧ ઓક્ટોબરે મતદાન અને ૧૩ ઓક્ટોબરે યોજાશે મતગણતરી, શિક્ષિત યુવાનો અને સામાજિક કાર્યકરો પર પસંદગીનો કળશ

ગાંધીનગર : ગુજરાતની રાજધાની ગાંધીનગર મહાનગરપાલિકાની આગામી સામાન્ય ચૂંટણી માટે રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. ચૂંટણીની જાહેરાત થતાની સાથે જ આમ આદમી પાર્ટી (AAP) એ આક્રમક પ્રચાર વ્યૂહરચના અપનાવીને ૨૩ ઉમેદવારોની પોતાની પ્રથમ યાદી જાહેર કરી દીધી છે. પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠિયાએ આ યાદી જાહેર કરતા સ્પષ્ટ કર્યું હતું કે, પાર્ટી અગાઉથી કોઈ મેયર પદનો ચહેરો જાહેર નહીં કરે, પરંતુ ચૂંટણી બાદ વિજેતા પ્રતિનિધિઓ દ્વારા જ મેયરની પસંદગી કરવામાં આવશે.
આમ આદમી પાર્ટીએ આ વખતની યાદીમાં સમાજના તમામ વર્ગો અને શ્રમિકોને સમાવવાનો પ્રયાસ કર્યો છે. જેના ભાગરૂપે વોર્ડ નંબર ૧૦ માંથી ટ્રાન્સજેન્ડર સમુદાયના પ્રતિનિધિ એવા પારેખ જય શૈલેષભાઈ (એન્જલ માસી)ને ઉમેદવાર બનાવીને એક નવો રાજકીય દાખલો બેસાડ્યો છે. સમાજના હાંસિયામાં ધકેલાયેલા વર્ગને ચૂંટણી મંચ પર મુખ્યધારામાં લાવવાના આ નિર્ણયની વ્યાપક ચર્ચા થઈ રહી છે.
ભાજપના ભ્રષ્ટ વહીવટ સામે શિક્ષિત યુવાનોની પસંદગી
આ પ્રસંગે મનોજ સોરઠિયાએ જણાવ્યું હતું કે, જ્યાંથી સમગ્ર ગુજરાતનું શાસન ચાલે છે તે ગાંધીનગરમાં જ ભાજપના શાસનમાં ‘દીવા તળે અંધારું’ જેવી સ્થિતિ છે. પ્રજા અનેક પાયાની સમસ્યાઓથી પીડાઈ રહી છે. વર્ષ ૨૦૨૧ ની ચૂંટણીમાં ગાંધીનગરની જનતાએ 'આપ'ને ૨૧% મત આપ્યા હતા અને વિપક્ષ તરીકે મજબૂત ભૂમિકા ભજવી હતી. આ વખતે પણ પક્ષે શિક્ષિત યુવાનો અને સામાજિક કાર્યકરો પર વિશ્વાસ મૂક્યો છે, જેઓ ગાંધીનગરને વૈશ્વિક કક્ષાનું મોડેલ શહેર બનાવવા કામ કરશે.
ચૂંટણીનો વિગતવાર કાર્યક્રમ:
• ઉમેદવારી ફોર્મ ભરવાનો પ્રારંભ: ૨૧ સપ્ટેમ્બર ૨૦૨૬
• ફોર્મ ભરવાની અંતિમ તારીખ: ૨૬ સપ્ટેમ્બર ૨૦૨૬
• મતદાનની તારીખ: ૧૧ ઓક્ટોબર ૨૦૨૬
• મતગણતરી: ૧૩ ઓક્ટોબર ૨૦૨૬
નોંધનીય છે કે, ગાંધીનગર મહાનગરપાલિકાના કુલ ૧૧ વોર્ડની ૪૪ બેઠકો માટે આ ચૂંટણી યોજાવા જઈ રહી છે, જેમાં ત્રિપાંખીયા જંગની પૂરી શક્યતાઓ સેવાઈ રહી છે.
(6:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
