<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 23rd May 2026

ગાંધીનગર શૂટ સ્પેસ ડિજિટલનું ₹૪૦૦ કરોડનું મહાકૌભાંડ: પકડાયેલા બંને સાગરીતો ૨ જૂન સુધી રિમાન્ડ પર, કરોડો રૂપિયાનું આંધણ કરનાર માસ્ટરમાઇન્ડ ઉત્પલ પટેલ હજુ પણ ફરાર!

ડભોડા પોલીસે જજના બંગલે આરોપીઓને રજૂ કરી ૧૮ મુદ્દાઓ સાથે રિમાન્ડ મેળવ્યા; રાજસ્થાનના ઉદયપુરમાં ભવ્ય એન્યુઅલ ફંક્શન યોજી રોકાણકારોને ઊંચા વળતરની લાલચે ફસાવ્યા હતા

ગાંધીનગર: ગુજરાતની રાજધાની ગાંધીનગર અને તેની આસપાસના વિસ્તારોમાં રાતોરાત અમીર બની જવાની લાલચ આપીને નિર્દોષ રોકાણકારોના કરોડો રૂપિયા ઓહિયાં કરી જવાનું એક સનસનાટીભર્યું કરોડોનું મહાકૌભાંડ પ્રકાશમાં આવ્યું છે. ગાંધીનગર નજીક આવેલા ડભોડા પોલીસ મથકે 'ગાંધીનગર શૂટ સ્પેસ ડિજિટલ પ્રાઇવેટ લિમિટેડ' (Shoot Space Digital) અને 'પેરાબાઈટ સ્પેસ' (Parabyte Space) ના નામે ડેટા સેન્ટર શરૂ કરીને લોકો સાથે છેતરપિંડી આચરવામાં આવી છે. પ્રાથમિક અંદાજ મુજબ આ કૌભાંડનો આંકડો ₹૪૦૦ કરોડને પાર પહોંચે તેવી પ્રબળ આશંકા સેવાઈ રહી છે, જેણે ગુજરાતના રોકાણકારોમાં ભારે ફફડાટ ફેલાવી દીધો છે.

આ હાઈ-પ્રોફાઈલ આર્થિક ગુનામાં ડભોડા પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને જીપીઆઈડી (GPID) એક્ટ હેઠળ ગુનો નોંધી કંપનીના બે સક્રિય આરોપીઓ અરુણ પટેલ અને સચિન પટેલની ધરપકડ કરી લીધી છે. શનિવાર તેમજ જાહેર રજાનો દિવસ હોવાના કારણે પોલીસ સત્તાવાળાઓ દ્વારા બંને આરોપીઓને નામદાર જજના નિવાસસ્થાને રજૂ કરવામાં આવ્યા હતા. પોલીસે ગુનાના મૂળ સુધી પહોંચવા અને કરોડો રૂપિયાના નાણાકીય ટ્રેલની તપાસ કરવા માટે ૧૮ મજબૂત મુદ્દાઓ રજૂ કરીને ૧૪ થી ૧૫ દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. કોર્ટે બંને પક્ષોની દલીલો ગ્રાહ્ય રાખીને બંને આરોપીઓના આગામી ૨ જી જૂનના બપોરે ૪:૦૦ વાગ્યા સુધીના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે. જોકે, આ આખા કૌભાંડનો મુખ્ય સૂત્રધાર (Mastermind) ઉત્પલ પટેલ હજી પણ પોલીસ પકડથી દૂર નાસતો ફરે છે.

RBIની મંજૂરી વિના ચાલતી હતી માયાજાળ; ઉદયપુરની વૈભવી હોટલોમાં થતી હતી રોકાણકારોની આગતા-સ્વાગતા

પોલીસ તપાસના ચોંકાવનારા અહેવાલો મુજબ, આ ઠગબાજો કોઈપણ રાષ્ટ્રીયકૃત બેંક કે મોટા ઉદ્યોગો કરતા પણ ઘણું વધારે અને અશક્ય વળતર (Double Return) આપવાની ગુલાબી પાંખો સોશિયલ મીડિયા અને એજન્ટો મારફતે ફેલાવતા હતા. આ કંપની પાસે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) ની કોઈ કાયદેસર મંજૂરી હતી કે નહીં તે દિશામાં પણ તપાસ શરૂ કરાઈ છે. રોકાણકારોને અંજાવા માટે આ ટોળકી રાજસ્થાનના પ્રવાસન સ્થળ ઉદયપુરમાં ભવ્ય વાર્ષિક સમારોહ (Investor Meet) યોજતી હતી, જ્યાં મોટી મોટી હોટલોમાં રોકાણકારોને લલચાવીને કરોડોનું રોકાણ કરાવી લેવાતું હતું.

હવે સીએ (CA) અને ફોરેન્સિક ટીમ સાથે પોલીસ ખાતા ફંફોળશે

હવે આગામી ૨જી જૂન સુધીના રિમાન્ડ ગાળા દરમિયાન ડભોડા પોલીસ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ (CA) ની ખાસ મદદ લેવાની છે. કંપનીના સત્તાવાર અને બેનામી બેંક ખાતાઓની વિગતો, કંપનીના કર્મચારીઓના સેલરી લેઝર એકાઉન્ટ તેમજ એજન્ટોને નેટવર્ક ફેલાવવા માટે જે કરોડો રૂપિયાનું કમિશન રોકડેથી કે ખાતામાં ચૂકવાયું છે તેના નાણાકીય વ્યવહારોની બારીકાઈથી તપાસ કરાશે. આ કૌભાંડના તાર ગુજરાત સિવાય રાજસ્થાન અને અન્ય રાજ્યો સાથે પણ જોડાયેલા હોવાથી પોલીસની એક ટીમ રાજ્ય બહાર રવાના થાય તેવી શક્યતા છે. મુખ્ય સૂત્રધાર ઉત્પલ પટેલના આશ્રયસ્થાનો મેળવવા માટે પણ આ પકડાયેલા બંને સાગરીતોની પૂછપરછ ચાવીરૂપ સાબિત થશે.

 

(10:06 PM IST)