<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 2nd August 2026

ગાંધીનગરના 62મા સ્થાપના દિવસની ઉજવણીઃ વૃક્ષારોપણ સાથે નાના વેપારીઓને PM સ્વનિધિ લોન અને કિટ્સનું વિતરણઃ ભુપેન્‍દ્રભાઇની ઉપસ્‍થિતિ

મુખ્‍યમંત્રીએ પર્યાવરણ સંરક્ષણના ઉદાત સંકલ્‍પ સાથે ૧૪૦૦૦ વૃક્ષોના રોપણ મહાઅભિયાનનો પ્રારંભ કરાવ્‍યો

ગાંધીનગરઃ ગુજરાત ના હરિયાળા અને આધુનિક પાટનગર ગાંધીનગર શહેરની સ્થાપનાને 62 વર્ષ પૂર્ણ થવા પર આજે શહેરભરમાં ઉત્સાહ અને ઉમંગભેર 62મા સ્થાપના દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. આ વિશેષ અવસરે ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા કોબા તળાવ ખાતે એક પ્રેરણાદાયી રાજ્ય કક્ષાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

 આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહીને પર્યાવરણ સંરક્ષણના ઉદાત્ત સંકલ્પ સાથે 14,000 વૃક્ષોના વિશાળ વૃક્ષારોપણ અભિયાનનો મંગલારંભ કરાવ્યો હતો. આ અભિયાન અંતર્ગત કોબા વિસ્તારમાં 4000 અને ભાટ વિસ્તારમાં 10,000 જેટલા સ્થાનિક પ્રજાતિના વૃક્ષોનું વાવેતર કરવામાં આવી રહ્યું છે, જે પાટનગરની હરિયાળીને વધુ સમૃદ્ધ બનાવશે.

વૃક્ષારોપણની આ પહેલની સાથે-સાથે આ કાર્યક્રમમાં જનકલ્યાણ અને નાગરિકોના આર્થિક-સામાજિક સશક્તિકરણ માટે વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભોનું સીધું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીના હસ્તે નાના વેપારીઓને સ્વરોજગાર માટે 'પીએમ સ્વનિધિ યોજના' હેઠળ 2.55 લાખ રૂપિયા સુધીની લોન સહાય અર્પણ કરવામાં આવી હતી, જેનાથી નાના ધંધાર્થીઓને મોટો આર્થિક સહારો સાંપડ્યો છે. શહેરની સ્વચ્છતા જાળવવામાં અથાક પરિશ્રમ કરનાર ઉત્કૃષ્ટ કામગીરી કરનારા 5 સફાઈ કર્મચારીઓને પ્રોત્સાહિત કરવા માટે 10-10 હજાર રૂપિયાના રોકડ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

આ ઉપરાંત, આરોગ્ય અને પોષણ ક્ષેત્રે પણ અનેકવિધ જનહિતના કાર્યો હાથ ધરવામાં આવ્યા હતા. આયુષ્માન ભારત યોજના હેઠળ લાભાર્થીઓને નિઃશુલ્ક આરોગ્ય કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું, જ્યારે આઈસીડીએસ (ICDS) યોજના હેઠળ સગર્ભા માતાઓ, નાના બાળકો અને કિશોરીઓને પૌષ્ટિક આહાર પૂરો પાડવા માટે પોષણ કિટ્સ અર્પણ કરાઈ હતી. દેશને ક્ષય મુક્ત કરવાના સંકલ્પને વેગ આપવા માટે 'ટીબી મુક્ત ભારત અભિયાન' અંતર્ગત વિવિધ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો (PHC) પર દર્દીઓને વિશેષ પોષણ કિટ્સનું વિતરણ કરાયું હતું.

આ સાથે યુવા વર્ગ અને વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે ઉત્તમ માર્ગદર્શન પૂરું પાડતી પુસ્તક કિટ્સ પણ આપવામાં આવી હતી. આમ, કુલ 20 જેટલા વ્યક્તિગત લાભાર્થીઓને વિવિધ સરકારી યોજનાઓનો સીધો અને પારદર્શક લાભ અપાયો હતો. પાટનગરના સ્થાપના દિવસની આ અનોખી ઉજવણીએ પર્યાવરણ રક્ષા અને જનસેવાના શ્રેષ્ઠ સમન્વયનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

આ અવસરે મેયર મીરાબેન પટેલ, ધારાસભ્‍ય રીટાબેન પટેલ, ડેપ્‍યુટી મેયર અગ્રણી આશિષ દવે, મ્‍યુ‌ની. કમીશનર પ્રજાપતિ વગેરે અદપાધિકારીઓ-અધિકારીઓ તથા બહોળી સંખ્‍યામાં લાભાર્થીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

(2:36 PM IST)