તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 27th May 2026
ગાંધીનગરના જાણીતા શૂટર જય મહેતા જર્મનીમાં યોજાનારા ISSF વર્લ્ડ કપ દરમિયાન ISSF કોમ્પિટિશન મેનેજર કોર્ષમાં ભાગ લેશે

(યાસીન બ્લોચ દ્વારા) વિસાવદર :ગાંધીનગરના જાણીતા શૂટર અને શૂટિંગ ક્ષેત્રે સતત પ્રગતિ કરતા યુવા પ્રતિભાશાળી રમતવીર જય મહેતા તા. ૨૩ મે થી ૩૦ મે, ૨૦૨૬ દરમિયાન જર્મનીના મ્યુનિક શહેરમાં યોજાનારા પ્રતિષ્ઠિત ISSF વર્લ્ડ કપ-૨૦૨૬ (રાઈફલ અને પિસ્તોલ) દરમિયાન આયોજિત ISSF કોમ્પીટીશન મેનેજર કોર્ષમાં ભાગ લેવા જઈ રહ્યા છે. આ સિદ્ધિ ગુજરાત તેમજ સમગ્ર શૂટિંગ જગત માટે ગૌરવની બાબત બની છે.
જય મહેતા માત્ર પ્રતિભાશાળી શૂટર જ નહીં, પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા પ્રાપ્ત ISSF B લેવલ જજ અને જ્યુરી તેમજ ISSF B લેવલ કોચ તરીકે પણ પોતાની આગવી ઓળખ ધરાવે છે. તેઓએ શૂટિંગ ક્ષેત્રે વિવિધ જવાબદારીઓ સફળતાપૂર્વક નિભાવી છે અને સતત રમતગમત ક્ષેત્રે ઉત્કૃષ્ટ યોગદાન આપ્યું છે.
તેઓ અગાઉ ગુજરાત સ્ટેટ રાઈફલ એસોસિએશન (GSRA) ખાતે કોચ તરીકે સેવા આપી ચૂક્યા છે તેમજ ધ નેશનલ રાઈફલ એસોસિએશન ઓફ ઇન્ડિયા (NRAI) તરફથી ટેક્નિકલ ઓફિશિયલ તરીકે પણ મહત્વપૂર્ણ ફરજ બજાવી ચૂક્યા છે. રમતગમત ક્ષેત્રે તેમની મહેનત, સમર્પણ અને કાર્યકુશળતાના કારણે તેઓએ શૂટિંગ ક્ષેત્રમાં આગવી ઓળખ ઉભી કરી છે.
હાલમાં જય મહેતા ગુજરાત રાજ્યનાં અનેક આશાસ્પદ ખેલાડીઓને તાલીમ આપી રહ્યા છે. તેમના માર્ગદર્શન હેઠળ અનેક ખેલાડીઓએ રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે.
જય મહેતાની આ મહત્વપૂર્ણ સિદ્ધિને લઈ ગુજરાત સ્ટેટ રાઈફલ એસોસિએશન તેમજ રાજ્યભરનાં રમતપ્રેમીઓમાં આનંદ અને ગૌરવની લાગણી જોવા મળી રહી છે. તમામે જય મહેતાને અભિનંદન પાઠવ્યા છે તેમજ મ્યુનિક ખાતે યોજાનારા ISSF કોમ્પિટિશન મેનેજર કોર્સ માટે શુભેચ્છાઓ પાઠવી છે. ગુજરાતના યુવા રમતવીરો માટે જય મહેતાની આ સિદ્ધિ પ્રેરણારૂપ બની રહેશે અને ભવિષ્યમાં વધુ ઊંચાઈઓ હાંસલ કરે તેવી શુભકામનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે તથા આ કોર્સ પૂર્ણ કર્યા બાદ ભવિષ્યમાં ગુજરાત ખાતે આયોજન થનાર આંતરરાષ્ટ્રીય કોમ્પિટિશન જેમ કે કોમનવેલ્થ ગેમ્સ-૨૦૩૦ તથા ઓલમ્પિક ગેમ્સ-૨૦૩૬માં જય મહેતાની મહત્વની ભૂમિકા રહેશે
(9:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
