<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 10th November 2026

અમદાવાદમાં ટિન્ડર એપથી વેપારીને હનીટ્રેપમાં ફસાવી રૂ.૬ લાખ પડાવનાર ગેંગનો પર્દાફાશ: બે આરોપીઓ ઝડપાયા

અંગત ફોટા બતાવી કેસમાં ફસાવવાની ધમકી આપી ખંડણી ઉઘરાવતી સાત સભ્યોની ટોળકી પૈકી મૂળ રાજકોટના બે શખ્સોની ધરપકડ, રૂ.૩ લાખ રિકવર કરાયા

અમદાવાદ : અમદાવાદ શહેરના વસ્ત્રાલ વિસ્તારમાં રહેતા આઇસક્રીમના એક વેપારીને ડેટિંગ એપ ટિન્ડર મારફતે પ્રેમજાળમાં ફસાવી હનીટ્રેપ અને એક્સ્ટોર્શન કરી રૂપિયા ૬ લાખ પડાવી લેવાના કાવતરાનો અમદાવાદ ગ્રામ્ય પોલીસે પર્દાફાશ કર્યો છે.

 

પ્રાપ્ત વિગતો અનુસાર, ફરિયાદી વેપારી આશરે એક મહિના અગાઉ ટિન્ડર એપ મારફતે હિના પટેલ નામની યુવતીના સંપર્કમાં આવ્યા હતા, જ્યાં આરોપીઓએ યુવતીનો ઉપયોગ કરી વેપારીને વિશ્વાસમાં લઈ અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં મળવા બોલાવી હનીટ્રેપમાં ફસાવ્યા હતા.

 

ત્યારબાદ આરોપીઓએ વેપારીના અંગત ફોટા તથા વીડિયો કોલ દરમિયાનના સ્ક્રીનશોટ દર્શાવી બ્લેકમેઇલ કર્યા હતા અને પોતાની ઓળખ પોલીસ તરીકે આપી વસ્ત્રાલ ખાતે બોલાવી ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપીને કુલ રૂપિયા ૬ લાખ પડાવી લીધા હતા.

 

વેપારીની સત્તાવાર ફરિયાદના આધારે વિવેકાનંદનગર પોલીસે તપાસ હાથ ધરીને રાજકોટના કલ્પેશ અગ્રાવત અને રાજ ખૂંટ નામના બે આરોપીઓની અટકાયત કરી તેમની પાસેથી ફરિયાદીના રૂપિયા ૩ લાખ રોકડા પરત અપાવ્યા હતા.

 

પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આ સમગ્ર હનીટ્રેપ ગેંગનો માસ્ટરમાઇન્ડ વારિસ માલવિયા છે, જે મૂળ રાજકોટથી ૭ સભ્યોની ગેંગ ચલાવતો હતો અને ટિન્ડર એપ પર બનાવટી આઈડી બનાવી વેપારીઓને ટાર્ગેટ કરતો હતો.

 

આગામી સમયમાં પોલીસ દ્વારા આ હનીટ્રેપ ટોળકીના માસ્ટરમાઇન્ડ વારિસ માલવિયા તથા હિના પટેલ ઉર્ફે ધૃતિ સહિતના ફરાર પાંચ આરોપીઓને ઝડપી પાડવા માટે સઘન દરોડા અને કાયદેસરની તપાસ તેજ કરવામાં આવી છે.

(8:39 PM IST)