તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 31st May 2026
સુરતમાં મુસાફરોના મોબાઈલ ચોરતી ગેંગનો પર્દાફાશ : 22 મોબાઈલ ફોન સાથે પાંચ આરોપીઓની ધરપકડ
આરોપીઓ બસમાં ચડતી કે ઉતરતી વખતે ભીડનો લાભ લઈને મોબાઈલ ફોન ચોરી લેતા:અશ્વની કુમાર પોલીસને મળેલી બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવીને આ પાંચેયને દબોચી લીધા

સુરતમાં સતત વધી રહેલી મોબાઈલ ચોરીની ઘટનાઓ પર પોલીસે લગામ કસી છે. અશ્વની કુમાર પોલીસ સ્ટેશનની ટીમે એક સક્રિય મોબાઈલ ચોર ગેંગનો પર્દાફાશ કરી પાંચ આરોપીઓની ધરપકડ કરી છે. આ ટોળકીની કામ કરવાની પદ્ધતિ અત્યંત ચોંકાવનારી હતી, જેઓ મુખ્યત્વે ભીડભાડવાળા વિસ્તારો અને જાહેર પરિવહનની સેવામાં સક્રિય હતા.
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ આરોપીઓ શહેરના ગીચ વિસ્તારો ઉપરાંત બીઆરટીએસ અને સિટી બસમાં મુસાફરી કરતા મુસાફરોને પોતાના નિશાના પર લેતા હતા. આરોપીઓ બસમાં ચડતી કે ઉતરતી વખતે ભીડનો લાભ લઈને કુશળતાપૂર્વક મોબાઈલ ફોન ચોરી લેતા હતા. અશ્વની કુમાર પોલીસને મળેલી બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવીને આ પાંચેય ઈસમોને દબોચી લીધા હતા.
ધરપકડ બાદ પોલીસે આરોપીઓની પૂછપરછ કરતા તેમની પાસેથી ચોરીના કુલ 22 મોબાઈલ ફોન મળી આવ્યા હતા, જેની બજાર કિંમત લાખોમાં હોવાનું અનુમાન છે. આ ટોળકી લાંબા સમયથી શહેરના અલગ-અલગ વિસ્તારોમાં સક્રિય હતી અને મુસાફરોને આર્થિક નુકસાન પહોંચાડી રહી હતી. હાલમાં પોલીસે તમામ 22 મોબાઈલ કબજે કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં એવું પણ જાણવા મળ્યું છે કે આ ગેંગમાં અન્ય કોઈ સંડોવાયેલું છે કે કેમ, તે દિશામાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. સુરક્ષાની દૃષ્ટિએ આ ધરપકડ શહેરના મુસાફરો માટે મોટી રાહત સમાન છે. પોલીસ દ્વારા લોકોને પણ અપીલ કરવામાં આવી છે કે ભીડભાડવાળી જગ્યાએ પોતાના કીમતી સામાન અને મોબાઈલ ફોન પ્રત્યે સાવધ રહેવું.
(10:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
