<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 1st October 2026

અમદાવાદમાં ગરબા આયોજકોએ પોર્ટલ પર NOC સાથે પરફોર્મન્સ લાયસન્સ લેવું પડશે ભીડ નિયંત્રણ માટે AI આધારિત CCTV લગાવવા આદેશ

અમદાવાદમાં નવરાત્રી મહોત્સવને શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન કરાવવા પોલીસ કમિશનર અનુપમ સિંહ ગહલૌતની આગેવાનીમાં ગરબા આયોજકો સાથે મહત્વની બેઠક યોજાઈ

અમદાવાદ : રાજ્યના સૌથી મોટા અને લોકપ્રિય લોક ઉત્સવ એવા આગામી નવરાત્રી મહોત્સવને શાંતિપૂર્ણ, સુરક્ષિત અને સુવ્યવસ્થિત વાતાવરણમાં સંપન્ન કરાવવા માટે અમદાવાદ શહેર પોલીસ સજ્જ બની છે. અમદાવાદ શહેર પોલીસ કમિશનર અનુપમ સિંહ ગહલૌતની અધ્યક્ષતામાં શહેરના તમામ મોટા ગરબા આયોજકો અને વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ વચ્ચે એક મહત્વપૂર્ણ સંકલન બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ખેલૈયાઓ અને નાગરિકોની સલામતી સુનિશ્ચિત કરવા માટે સુરક્ષાના કડક માપદંડો નિર્ધારિત કરવામાં આવ્યા છે.

આ ઉચ્ચ સ્તરીય બેઠકમાં શહેર પોલીસના તમામ સેક્ટર જોઈન્ટ સીપી, ડીસીપી, મહિલા અને બાળ સુરક્ષા માટે કાર્યરત શી ટીમના અધિકારીઓ તેમજ ચીફ ફાયર ઓફિસર સહિત ફાયર બ્રિગેડના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. મહિલાઓની સુરક્ષા, ટ્રાફિક વ્યવસ્થાપન, પાર્કિંગ આયોજન અને કટોકટી વ્યવસ્થાપન અંગે આયોજકો સાથે સીધો સંવાદ સાધવામાં આવ્યો હતો.

 

પોલીસ કમિશનરે સ્પષ્ટ નિર્દેશ આપ્યા છે કે તમામ ગરબા આયોજકોએ પરફોર્મન્સ લાયસન્સ મેળવવા માટે રાજ્ય સરકારના સત્તાવાર પોર્ટલ www.ifp.gujarat.gov.in પર જરૂરી દસ્તાવેજો સાથે સમયસર ઓનલાઈન અરજી કરવાની રહેશે. મંજૂરી મેળવવા માટે નીચે મુજબના સત્તાવાર પ્રમાણપત્રો રજૂ કરવાના રહેશે:

ગરબા સંકુલમાં ક્ષમતા કરતાં વધુ ભીડ એકઠી ન થાય અને કોઈ અણબનાવ ન બને તે માટે આ વર્ષે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ ફરજિયાત કરાયો છે. મોટા પાયે યોજાતા કોમર્શિયલ અને ક્લબ ગરબા આયોજનોમાં આવનાર નાગરિકોની ચોક્કસ સંખ્યા ગણી શકાય તેવા અત્યાધુનિક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત સીસીટીવી કેમેરા લગાવવાની આયોજકોને સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે.

ગરબા સ્થળ પર કોઈપણ કટોકટી કે વ્યવસ્થાપન સંબંધિત પ્રશ્નોના ત્વરિત ઉકેલ માટે આયોજકો અને પોલીસ વચ્ચે સેતુ બની રહે તે હેતુથી ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. દરેક મોટા ગરબા ગ્રાઉન્ડ પર આયોજકો સાથે સતત સંપર્કમાં રહેવા માટે ચોક્કસ પોલીસકર્મીને સંકલન અધિકારી તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. પોલીસ કમિશનર અનુપમ સિંહ ગહલૌતે જણાવ્યું હતું કે ઉત્સવની ગરિમા જળવાય અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ અકબંધ રહે તે માટે પોલીસ વિભાગ 24 કલાક ખડેપગે રહેશે.

(12:19 AM IST)